અંકલેશ્વરમાં વરસાદી પાણીના નિકાલ માટે ખોદવામાં આવેલી ગટર હવે વાહનચાલકો માટે જોખમરૂપ બની છે. ગડખોલ-અંદાડા રોડ પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાની બન્ને તરફ ગટર ખોદીને ખુલ્લી મૂકી દેવામાં આવી છે.ગત રાત્રે વરસેલા ભારે વરસાદને પગલે આ ગટરોમાં પાણી ભરાઈ ગયું હતું. જેના કારણે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોને ગટરની ઊંડાઈ કે તેની ચોક્કસ સ્થિતિનો અંદાજ ન રહ્યો. પરિણામે અનેક વાહનચાલકો પાણી ભરાયેલી ગટરમાં ખાબક્યા હતા.

ગટર આસપાસ યોગ્ય બેરિકેડિંગ કે ચેતવણીના બોર્ડની વ્યવસ્થા ન હોવાને કારણે ખાસ કરીને રાત્રિના સમયે અકસ્માતનો ભય વધી ગયો છે. સદનસીબે મોટી જાનહાનિ ટળી છે.સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે. વરસાદી પાણીના નિકાલ માટે કરાયેલી કામગીરી લોકો માટે જ જોખમ ન બને તે માટે ગટરનું તાત્કાલિક બેરિકેડિંગ કરવામાં આવે અને રસ્તા પર સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.