શહેરના પ્રાચીન અને ધાર્મિક વારસાને જીવંત રાખવાનો પ્રયાસ
શ્રી રણછોડજી મંદિર ટ્રસ્ટ – રિટાયર્ડ પોલીસકર્મી દ્વારા આયોજન
શ્રી રણછોડજી મંદિર ખાતે કારાઓકે ભજન સંધ્યાનું આયોજન
કારાઓકે ભજન સંધ્યામાં અનેક ભજન રસિકોએ રંગત જમાવી
ભાવભક્તિપૂર્ણ ભજનોની રજૂઆતોથી શ્રોતાઓ મંત્રમુગ્ધ થયા
ભરૂચ શહેરના પ્રાચીન ધાર્મિક વારસાને જીવંત રાખવા શ્રી રણછોડજી મંદિર ટ્રસ્ટ દ્વારા કારાઓકે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી રણછોડજી મંદિર ખાતે આયોજિત ભજન સંધ્યામાં ભજન રસિકોની રંગત જામી હતી.
ઐતિહાસિક અને ધાર્મિક નગરી તરીકે ઓળખાતા ભરૂચ શહેરના અનેક પ્રાચીન મંદિરો અને ધાર્મિક સ્થળો સમય જતાં પોતાની વિરાસત ધીમે ધીમે ગુમાવી રહ્યા છે. નવી પેઢીને ભરૂચના આ ધાર્મિક વારસાથી પરિચિત કરાવવા માટેના હેતુસર રણછોડજી ઢોળાવ સ્થિત શ્રી રણછોડરાયજી મંદિર ખાતે ભજન સંધ્યાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. રણછોડજી મંદિર ટ્રસ્ટના સહયોગથી કારાઓકે સિસ્ટમ દ્વારા યોજાયેલી ભજન સંધ્યાનું આયોજન રિટાયર્ડ પોલીસકર્મી તેમજ શ્રી રણછોડજી મંદિર ટ્રસ્ટના પ્રદીપ મોઘે અને વીરેન્દ્ર ઠાકોરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. ભરૂચના શ્રી રણછોડરાયજી મંદિર ઉપરાંત લક્ષ્મીનારાયણ મંદિર, ગીતા ભવન સહિતના અનેક ધાર્મિક સ્થળોના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વને નવી પેઢી સુધી પહોંચાડવાનો પણ આ કાર્યક્રમનો હેતુ રહ્યો હતો. ભજન સંધ્યામાં શહેરના અનેક કલાકારો દ્વારા ઉપસ્થિત રસિકો સામે સુંદર ભજન પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. ગાયકોએ ભાવભક્તિપૂર્ણ ભજનોની રજૂઆત કરી ઉપસ્થિત શ્રોતાઓને ભક્તિરસમાં તરબોળ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભજનોની રમઝટ સાથે ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો.
