આસ્થા અને માનવતાનો અનોખો સંગમ

ભગવાન બનીને આવ્યા બે મિત્રો

બે મિત્રોએ 200 ગણેશ પ્રતિમાઓ ખરીદી

શ્રમજીવી પરિવારને મોટો આર્થિક સહારો આપ્યો  

ગણેશ ચતુર્થીના દિવસે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું

સુરતમાં ગણેશ ચતુર્થીના પવિત્ર તહેવાર પર આસ્થાની સાથે માનવતાનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે.બે મિત્રોએ આસ્થા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું છે.

સુરતમાં ગણેશ ચતુર્થીના પવિત્ર તહેવાર પર આસ્થાની સાથે માનવતાનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. શહેરના રસ્તા પર ફૂટપાથ કિનારે શ્રીજીની પ્રતિમાઓ વેચીને ગુજરાન ચલાવતો એક શ્રમજીવી પરિવાર ભારે મુશ્કેલીમાં મુકાયો હતો. સતત પડેલા વરસાદને કારણે ગણેશ ચતુર્થીના દિવસ સુધી તેમની 200થી પણ વધુ મૂર્તિઓ વેચાયા વગરની પડી રહી હતી, જેના કારણે પરિવાર પર આર્થિક સંકટ ઘેરાયું હતું.

આ દરમિયાન વડોદરાથી સુરત આવેલા સ્મિત ઠાકુર અને તેમના મિત્ર રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. ચિંતાતુર અને હતાશ બેઠેલા શ્રમજીવી પરિવારને જોઈને બંને મિત્રો તેમની પાસે પહોંચ્યા અને સ્થિતિ જાણી હતી. આ પરિસ્થિતિ જોઈને બંને યુવકોએ તાત્કાલિક નિર્ણય લીધો અને 25000 રૂપિયા આપીને તમામ 200 જેટલી ગણેશ પ્રતિમાઓ ખરીદી લીધી હતી. અચાનક મળેલી આ મોટી મદદથી ભાવુક થયેલા શ્રમજીવી પરિવારે આ યુવકોને જાણે ભગવાને જ મોકલ્યા હોય તેમ માનીને તેમનો આભાર માન્યો હતો.

આ બંને મિત્રોએ માત્ર આર્થિક મદદ જ નથી કરી પરંતુ બે મોટા સંદેશ પણ સમાજને આપ્યા છે. એક તરફ ગરીબ પરિવારને આર્થિક સંકટમાંથી ઉગાર્યો, તો બીજી તરફ ન વેચાયેલી શ્રીજીની મૂર્તિઓ રસ્તા પર રઝળે નહીં અને ભગવાનનું અપમાન ન થાય તે માટે આસ્થા જાળવી રાખી છે. આ તમામ 200 મૂર્તિઓની એક જ જગ્યાએ સ્થાપના કરવા માટે સુરત પોલીસે પણ જગ્યા ફાળવી આપી છે. અને દોઢ દિવસના ગણપતિ રાખીને તમામ પ્રતિમાઓનું વિધિવત વિસર્જન કરવામાં આવશે.