ગ્રાહકના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં
ઓનલાઇન મંગાવેલા મોતીચૂરના લાડુમાંથી નીકળી ફૂગ
બ્લિન્કીટ પરથી મંગાવેલા લાલ લાડુ દુર્ગંધ મારતા નીકળ્યા
ગણેશ ચતુર્થી પર પ્રસાદનો ઓર્ડર પડ્યો ભારે
આરોગ્ય વિભાગ દ્વારા બ્લિંકિટના સ્ટોર પર તપાસ
સુરતમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે,ગ્રાહકે બ્લિન્કીટમાંથી મંગાવેલ મોતીચૂરના લાડુમાંથી ફૂગ નીકળતા મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
સુરતમાં ફરી એકવાર ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે, જે લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં સમાન છે.ગણેશ મહોત્સવના પાવન પર્વ પર સુરતના પ્રદીપ ગુપ્તા નામના ગ્રાહકે ઓનલાઇન હોમ ડિલિવરી એપ બ્લિન્કીટ પરથી રૂપિયા 504 ચૂકવીને એક કિલો ‘લાલ’ બ્રાન્ડના મોતીચૂરના લાડુ ઓર્ડર કર્યા હતા. પરંતુ પેકેટ ખોલતા જ ગ્રાહક સન્ન રહી ગયો હતો, કારણ કે લાડુમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી હતી અને તેના પર સફેદ ફૂગ જામી ગઈ હતી.
તહેવારના સમયે જ વાસી અને ગુણવત્તાહીન પ્રસાદ પહોંચાડાતા આ મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. ઘટનાની જાણ થતાં જ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને સંબંધિત બ્લિન્કીટ સ્ટોર ખાતે પહોંચીને સઘન તપાસ હાથ ધરી હતી.
આરોગ્ય વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે હાલના ભેજવાળા વાતાવરણમાં ખાદ્યસામગ્રી 24 થી 36 કલાકમાં જ બગડી જતી હોય છે. આથી ઓનલાઇન ખાણીપીણી મંગાવવાનું ટાળવું અને રૂબરૂ ચકાસીને જ ખરીદી કરવી,સાથે જ વેપારીઓને કડક ચેતવણી આપી છે કે વાસી કે ભેળસેળયુક્ત ખોરાક વેચનારા સામે સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
