બાંગ્લાદેશમાંથી ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આ વર્ષે જાન્યુઆરીથી ઓગસ્ટ દરમિયાન દેશમાં હિંસાની ઘટનાઓમાં 155 બાળકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 15 હજારથી વધુ બાળકો ગુમ થયા હોવાનું સામે આવ્યું છે.
બાંગ્લાદેશમાં બાળકો વિરુદ્ધ વધતી હિંસા વચ્ચે, અપહરણ બાદ હત્યા, બળાત્કાર, શારીરિક શોષણ અને અન્ય પ્રકારની હિંસા જેવી ઘટનાઓમાં આ બાળકોના મોત થયા છે. ઢાકા સ્થિત માનવાધિકાર સંગઠન ‘આઈન ઓ સાલિશ કેન્દ્ર’ (ASK) એ અહેવાલ આપ્યો છે કે, વર્ષના પ્રથમ 8 મહિના દરમિયાન ગુમ થયેલા 36 બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે 68 બાળકોના મોત શારીરિક શોષણને કારણે અને 49 બાળકોના મોત પારિવારિક હિંસાની ઘટનાઓમાં થયા હતા.
સંગઠને 26 એવા કિસ્સાઓની વિગતો પણ આપી છે. જેમાં બાળકો પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો, અને ત્યારબાદ તેમની હત્યા કરવામાં આવી હતી. આ કિસ્સાઓમાં 2 છોકરાઓનો પણ સમાવેશ થાય છે. માનવાધિકાર જૂથે જણાવ્યું હતું કે, બળાત્કારના પ્રયાસ બાદ 4 બાળકોએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે 3ની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
શારીરિક શોષણને કારણે 2 ઘરેલું કામદારોના મોત થયા, 2 બાળકોની હત્યા પીછો કરનારાઓ (સ્ટોકર્સ) દ્વારા કરવામાં આવી અને એક બાળકનું અપહરણ કર્યા બાદ તેની હત્યા કરવામાં આવી. બાંગ્લાદેશી અખબાર ‘ઢાકા ટ્રિબ્યુન’ના અહેવાલ મુજબ, ASKએ આ સમયગાળા દરમિયાન આત્મહત્યા, રહસ્યમય મૃત્યુ અને બાળકોના મૃતદેહ મળી આવવાના 99 કિસ્સા નોંધ્યા છે.
ઘણા કિસ્સાઓમાં, આરોપીઓ પીડિતોના પરિચિત હતા. માનવાધિકાર સંગઠનના અહેવાલો સૂચવે છે કે, ગુમ થયેલા બાળકોના મૃતદેહ મળી આવવાની ઘટનાઓ બાંગ્લાદેશમાં સગીરો વિરુદ્ધ હિંસાની વ્યાપક પેટર્નનો એક ભાગ છે. જેમાં બળાત્કાર અને હત્યા, જીવલેણ શારીરિક શોષણ અને પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવતી હત્યા જેવી તાજેતરની ઘટનાઓનો સમાવેશ થાય છે. અગાઉ સપ્ટેમ્બરમાં, બાંગ્લાદેશ પોલીસ મુખ્યાલયે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, વર્ષના પ્રથમ 7 મહિના દરમિયાન 15,717, બાળકો ગુમ થયા હતા. જોકે 13,649 બાળકોને શોધી કાઢવામાં આવ્યા છે, તેમ છતાં 2,038 બાળકો હજુ પણ ગુમ છે, જે કુલ સંખ્યાના લગભગ 13 ટકા છે.
