ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જોલવા ગામ સ્થિત પ્રાથમિક શાળા ખાતે ‘સેવાસેતુ 2.1’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનોને વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ ઘરઆંગણે મળી રહે તેવા હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં મામલતદાર, તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા સંગઠન પ્રમુખ, જોલવા ગામના સરપંચ તથા ગ્રામ પંચાયતના સભ્યો અને અન્ય આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી વિવિધ સરકારી કામગીરીનો લાભ લીધો હતો.

જોકે, સરકારી સેવાઓ નાગરિકો સુધી પહોંચાડવાના આ મહત્વના કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી ગેરહાજર રહેતા સ્થાનિક સ્તરે અનેક તર્ક-વિતર્કો શરૂ થયા છે. તાલુકાના મુખ્ય વહીવટી અધિકારી પૈકીના એક એવા TDO કયા કારણોસર આ કાર્યક્રમમાં હાજર ન રહ્યા તે અંગે લોકમુખે ભારે ચર્ચા જાગી છે. એક તરફ પદાધિકારીઓ અને પ્રજાજનોની મોટી ઉપસ્થિતિ વચ્ચે જવાબદાર અધિકારીની ગેરહાજરીને લઈને કાર્યક્રમ બાદ પણ ગ્રામજનોમાં વિવિધ પ્રશ્નો અને ચર્ચાઓએ જોર પકડ્યું છે.