ભરૂચના હાંસોટ તાલુકાના સાહોલ ગામ નજીકથી પસાર થતી કિમ નદીમાં શ્રીજીની પ્રતિમાઓનું પુનઃવિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશોત્સવ દરમિયાન વિસર્જન કરાયેલી કેટલીક શ્રીજીની પ્રતિમાઓ નદીના પાણીમાંથી બહાર આવી જતા સાહોલ ગામના જાગૃત યુવાનોની નજરે પડી હતી.

શ્રીજીની પ્રતિમાઓની અવદશા ન થાય અને ધાર્મિક લાગણી ન દુભાય તે હેતુથી યુવાનોએ સંવેદના દાખવી પ્રતિમાઓને નદીમાંથી બહાર કાઢી એકત્રિત કરી હતી. ત્યારબાદ ધાર્મિક આસ્થાનું સન્માન જળવાઈ રહે તે માટે પ્રતિમાઓનું કિમ નદીના પાણીમાં વિધિવત્ પુનઃવિસર્જન કરવામાં આવ્યું હતું.

સાહોલ ગામના યુવાનો દ્વારા કરવામાં આવેલી આ પહેલને સ્થાનિક સ્તરે સરાહનીય ગણવામાં આવી રહી છે. યુવાનોની જાગૃતિ અને ધાર્મિક લાગણી પ્રત્યેની સંવેદનશીલતાના કારણે શ્રીજીની પ્રતિમાઓની અવદશા થતી અટકાવવામાં આવી હતી.