ગુજરાત સરકાર દ્વારા બાળકોના આરોગ્ય, પોષણ અને સર્વાંગી વિકાસ માટે ચલાવવામાં આવતી પોષણલક્ષી યોજના અંતર્ગત આજે અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલા નંદઘર ખાતે બાળકોને સુખડી, કેળાં તથા પૌષ્ટિક આહારનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સરકારી કાર્યક્રમમાં અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નં. ૮ના મ્યુનિસિપલ કાઉન્સિલર  જહાંગીરખાન  પઠાણ તથા  સીતાબેન સહભાગી બન્યા હતા. કાર્યક્રમ દરમિયાન નંદઘરમાં આવતા નાના બાળકો તેમજ તેમના માતા-પિતા અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બાળકોને પોષણયુક્ત આહારનું વિતરણ કરવાની સાથે તેમના ઉત્સાહ અને મનોબળમાં વધારો થાય તે માટે તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ નંદઘરમાં બાળકોની સંભાળ, શિક્ષણ અને પોષણ માટે સેવા આપતી શિક્ષિકાઓ તથા કાર્યકર બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

જહાંગીરખાન પઠાણે જણાવ્યું હતું કે, “બાળકોને આજે પોષણ આપવું જેટલું જરૂરી છે, એટલું જ તેમના ભવિષ્ય માટે શિક્ષણ આપવું પણ જરૂરી છે. નંદઘરથી બાળકોમાં શિક્ષણની શરૂઆત થાય અને ત્યારબાદ તેઓ નિયમિત શાળામાં પ્રવેશ લઈ અભ્યાસ ચાલુ રાખે તે માટે માતા-પિતાએ ખાસ ધ્યાન આપવું જોઈએ.