ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદનો વિવાદ

સંત સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

મિલકતના રેકોર્ડનો આક્ષેપ

ખાનગી ટ્રસ્ટના નામ નોંધાવ્યાનો આક્ષેપ

રેલી કાઢી આવેદનપત્ર પાઠવાયું

ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદમાં મિલકતના સિટી સર્વે પ્રોપર્ટી કાર્ડમાં ખાનગી ટ્રસ્ટના ટ્રસ્ટીઓનાં નામ ગેરકાયદે રીતે નોંધાવાયાં હોવાના આક્ષેપ સાથે રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

ભરૂચ શહેરમાં આવેલી પ્રાચીન જામા મસ્જિદનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. જેમાં મિલકતના સિટી સર્વે પ્રોપર્ટી કાર્ડમાં ખાનગી ટ્રસ્ટના ટ્રસ્ટીઓનાં નામ ગેરકાયદે રીતે નોંધાવાયાં હોવાના આક્ષેપ સાથે

સમસ્ત સનાતની હિન્દુ, જૈન, મહાનુભાવ અને રાષ્ટ્રપ્રેમી નાગરિકો વતી રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનપત્રમાં આ મિલકત ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI), ભારત સરકારના પુરાતત્વ વિભાગની હોવાનું જણાવી મિલકતના રેકોર્ડમાં થયેલી નોંધ અંગે વાંધો ઉઠાવવામાં આવ્યો છે.આવેદનકર્તાઓના જણાવ્યા અનુસાર, ભરૂચ શહેરમાં આવેલી આ મિલકત આશરે 2000 વર્ષ જૂના સનાતની હિન્દુ-જૈન મંદિર તરીકે પ્રસ્થાપિત હોવાનું તેમજ મહાનુભાવ પંથના સ્થાપક શ્રી ચક્રધર સ્વામીના જન્મસ્થળ તરીકે આસ્થાનું કેન્દ્ર હોવાનું રજૂ કરવામાં આવ્યું છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે, વર્ષ 1941થી આ મિલકત ભારત સરકારના પુરાતત્વ વિભાગની મિલકત તરીકે ભરૂચ સિટી સર્વે રેકોર્ડમાં નોંધાયેલી છે. તેમ છતાં વર્ષ 1961ના મેજિસ્ટ્રેટના હુકમનો આધાર લઈને ખાનગી ટ્રસ્ટના ત્રણ ટ્રસ્ટીઓનાં નામ પ્રોપર્ટી કાર્ડમાં નોંધાવવામાં આવ્યાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આવેદનમાં મિલકતના નગરપાલિકા નંબર C-1515 અને રાષ્ટ્રીય ધરોહરની મિલકતના નંબર C-1606 વચ્ચેનો તફાવત દર્શાવી રેકોર્ડની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. સમગ્ર મામલે કલેક્ટરને હસ્તક્ષેપ કરી સિટી સર્વે પ્રોપર્ટી કાર્ડમાં થયેલી નોંધની કાયદેસર તપાસ કરવા, ખોટી નોંધ હોય તો તેને દૂર કરવા તથા રાષ્ટ્રીય ધરોહરની મિલકતનું સંરક્ષણ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા આવેદનકર્તાઓએ માંગ કરી છે.