ભરૂચ જિલ્લામાં આંતરિક સુરક્ષાને વધુ મજબૂત બનાવવા અને સંવેદનશીલ વિસ્તારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લાના ૨૩ વાયટલ ઇન્સ્ટોલેશન વિસ્તારોને ‘નો ડ્રોન ઝોન’ જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં ડ્રોન, રિમોટ કંટ્રોલથી સંચાલિત એરિયલ સાધનો, પેરાગ્લાઇડર અને માઇક્રોલાઇટ એરક્રાફ્ટ ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.ભારત સરકારના ગૃહ વિભાગ દ્વારા વાયટલ ઇન્સ્ટોલેશન અને આંતરિક સુરક્ષાને અસર કરી શકે તેવા સંવેદનશીલ વિસ્તારોને ‘નો ડ્રોન ઝોન’ જાહેર કરવા અંગે સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા પણ આ અંગે જરૂરી માર્ગદર્શિકા આપવામાં આવી હતી. સંબંધિત નિયમો અને માર્ગદર્શિકાને અનુસરીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.જાહેરનામા મુજબ, સાથે જોડાયેલા પત્રકમાં દર્શાવેલા યુનિટ નંબર ૧થી ૨૩ સુધીના તમામ વાયટલ ઇન્સ્ટોલેશન વિસ્તારોમાં પ્રતિબંધ લાગુ રહેશે.
આ વિસ્તારોમાં ડ્રોન, રિમોટથી નિયંત્રિત હવાઈ સાધનો, પેરાગ્લાઇડર અને માઇક્રોલાઇટ એરક્રાફ્ટનું સંચાલન કરવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૨૨૩ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ નોંધાવવા માટે હેડ કોન્સ્ટેબલ અથવા તેનાથી ઉપરના હોદ્દાના પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં સુરક્ષાનાં કારણોસર ૨૩ વાયટલ ઇન્સ્ટોલેશન વિસ્તારો ‘નો ડ્રોન ઝોન’ જાહેર, તંત્ર દ્વારા જાહેરનામું બહાર પડાયુ
