રાજ્યના મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ નેત્રંગ તાલુકાની મુલાકાત દરમિયાન વહીવટ અને શાસનને વધુ સુદ્રઢ બનાવવા વિવિધ વિકાસકામોની સ્થળ સમીક્ષા કરી હતી. મંત્રીએ મોવી અને કાંટીપાડા ખાતે NH-56 રોડ પ્રોજેક્ટનાં અટકેલાં કામો અંગે સ્થાનિક ખેડૂતો અને અધિકારીઓ સાથે રૂબરૂ ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ નેત્રંગ મામલતદાર કચેરી ખાતે કલેક્ટર નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં રસ્તા, વીજળી, પીવાનું પાણી, આરોગ્ય, શિક્ષણ, જમીન સંપાદન અને વિવિધ સરકારી યોજનાઓના અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પડતર કામો ઝડપથી પૂર્ણ કરવા મંત્રીએ અધિકારીઓને સૂચનાઓ આપી હતી.

આ ઉપરાંત, જનસુનાવણી દરમિયાન અરજદારોની રજૂઆતો રૂબરૂ સાંભળી શક્ય હોય ત્યાં તાત્કાલિક નિકાલ લાવવા સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી હતી. ખેડૂતોને સમયસર અને અવિરત આઠ કલાક વીજળી પૂરી પાડવા DGVCL વિભાગને પણ તાકીદ કરવામાં આવી હતી.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રિતેશ વસાવા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
