શહેરમાંમાં નવરાત્રીના પર્વની ઉત્સાહભેર ઉજવણી

શહેરના વિવિધ ગરબા ગ્રાઉન્ડ ઉપર જામી રંગત

ખેલૈયાઓ મન મુકીને ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા

પરંપરાગત વેશભૂષામાં સજ્જ ખેલૈયાઓમાં ઉત્સાહ

સંગીત વૃંદના કલાલરોએ બોલાવી ગરબાની રમઝટ

ભરૂચ શહેરમાં બીજા નોરતે રિધમ નવરાત્રી મહોત્સવ, શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિર ઉત્સવ સમિતિ, સિદ્ધનાથ નગર તેમજ લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં આયોજિત શેરી ગરબામાં ખેલૈયાઓએ રમઝટ બોલાવી હતી.

ભરૂચ શહેરમાં નવરાત્રીના બીજા નોરતે વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર ગરબાની રંગત જામી હતી. કોલેજ રોડ સ્થિત રિધમ ગ્રુપના નવરાત્રી મહોત્સવમાં બીજા નોરતે ખેલૈયાઓનો ઉત્સાહ છલકાયો હતો.

માઁ વૃંદના સુમધુર સ્વરોના સથવારે ખેલૈયાઓએ પરંપરાગત ગરબે ઘૂમીને માઁ અંબાની આરાધના કરી હતી. પરંપરાગત પોશાકમાં સજ્જ ખેલૈયાઓ અને ઉત્કૃષ્ટ પ્રસ્તુતિ બદલ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ખેલૈયાઓની સુરક્ષા માટે રિધમ ગ્રુપ દ્વારા ફાયર સેફ્ટી અને CCTV કેમેરા સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ભરૂચ શહેરના નર્મદા એપાર્ટમેન્ટ નજીક શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિર ઉત્સવ સમિતિ દ્વારા દર વર્ષની જેમાં આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં નવરાત્રી મહોત્સવના બીજા નોરતે વયોવૃદ્ધ, યુવક-યુવતીઓ સહિત નાના ભૂલકાઓ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ ગરબાના તાલે ઝૂમ્યા હતા.

લાઇટિંગ અને ડેકોરેશન તેમજ સુંદર સાઉન્ડ સિસ્ટમના સથવારે ખેલૈયાઓ મન મુકીને ગરબે રમી માઁ અંબાની આરાધનામાં લીન બન્યા હતા. તો બીજી તરફ, સિદ્ધનાથ નગરમાં પણ નવરાત્રી મહોત્સવમાં બીજા નોરતે સ્થાનિકોએ ગરબાની રમઝટ બોલાવી હતી, જ્યારે શહેરના લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં વર્ષો જૂની પરંપરા મુજબ આયોજિત શેરી ગરબામાં ખેલૈયાઓએ માતાજીની આરધના કરી હતી.