ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. એસ.ટી. વિભાગના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો સાનુકૂળ વધારો મંજૂર કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી કર્મચારીઓમાં આનંદની લહેર વ્યાપી ગઈ છે.
મોંઘવારી ભથ્થામાં કરવામાં આવેલા 2 ટકાના વધારા સાથે હવેથી એસ.ટી. વિભાગના કર્મચારીઓને 60 ટકાના દરે મોંઘવારી ભથ્થુ ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી એસ.ટી. વિભાગના કર્મચારીઓના માસિક પગારમાં સારો એવો વધારો જોવા મળશે, જે મોંઘવારીના વર્તમાન સમયમાં કર્મચારીઓ માટે મોટો આર્થિક ટેકો સાબિત થશે. આ ઉપરાંત, કર્મચારીઓને વધારાના મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચુકવણી કરવામાં આવશે.
