ગુજરાતના વાહન વ્યવહાર વિભાગે મોટર વાહન નિરીક્ષક વર્ગ-2ના અધિકારીઓને લઈને મોટો વહીવટી નિર્ણય લીધો છે. વિભાગ દ્વારા કુલ 98 અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જ્યારે 85 અધિકારીઓને ઇન-સિટુ બઢતી આપવાના હુકમો જાહેર કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી રાજ્યના મોટર વાહન વિભાગની વિવિધ પ્રાદેશિક અને જિલ્લા કચેરીઓમાં અધિકારીઓની નિમણૂક અને હોદ્દામાં ફેરફાર થશે.

વાહન વ્યવહાર વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ, મોટર વાહન નિરીક્ષક વર્ગ-2ના 98 અધિકારીઓને નવી જગ્યાએ ફરજ સોંપવામાં આવી છે. આ બદલીમાં અમદાવાદ, સુરત, વડોદરા, નવસારી, મહેસાણા, પાલનપુર અને વલસાડ સહિત રાજ્યનાં વિવિધ શહેરો તથા જિલ્લાઓની કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓનો સમાવેશ થાય છે. બદલીના હુકમમાં અધિકારીઓની હાલની કચેરી અને નવી નિમણૂકની જગ્યાની વિગતો આપવામાં આવી છે. આ ફેરફારથી વિવિધ કચેરીઓમાં અધિકારીઓની જવાબદારીઓમાં પણ ફેરફાર થશે.

બદલીની સાથે વિભાગે 85 અધિકારીઓને ઇન-સિટુ બઢતી આપવાનો પણ નિર્ણય કર્યો છે. બઢતીનો ઇન-સિટુ અર્થ એ છે કે અધિકારીને તેમની હાલની જગ્યાએ ફરજ બજાવતાં બઢતીનો લાભ આપવામાં આવે છે. એટલે કે, બઢતી મેળવવા માટે તેમને નવી જગ્યાએ બદલી કરાવવી જરૂરી નથી. આ નિર્ણયથી સંબંધિત અધિકારીઓને હોદ્દાકીય બઢતીનો લાભ મળશે, જ્યારે તેઓ પોતાની હાલની કચેરીમાં રહીને કામગીરી ચાલુ રાખી શકશે.

મોટર વાહન નિરીક્ષક વર્ગ-2ના અધિકારીઓની આ સામૂહિક બદલી અને બઢતીથી રાજ્યના વાહન વ્યવહાર વિભાગના વહીવટી માળખામાં ફેરફાર થશે. જોકે, આ અચાનક નિર્ણય અંગે કોઇ સત્તાવાર કારણ નહી પરંતુ જાહેર હિતમાં બદલીઓ કરવામાં આવી છે.