પંચમહાલના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર પર મંદિરના કામકાજ અને સામાનની હેરફેર માટે વપરાતા માલવાહક રોપ વેનો કેબલ અચાનક તૂટી પડતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પંચમહાલના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર પર મંદિરના કામકાજ અને સામાનની હેરફેર માટે વપરાતા માલવાહક રોપ વેનો કેબલ અચાનક તૂટી પડતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સામાન ભરીને લઈ જતી વખતે બનેલી આ ઘટનાને પગલે ભારે આર્થિક નુકસાન થયું છે, પરંતુ રાહતની વાત એ છે કે આ હોનારતમાં કોઈ જાનહાનિ થઈ નથી.
ઉલ્લેખનીય છે કે, પાવાગઢના આ ગુડ્સ રોપ વે પર આવી દુર્ઘટના પહેલીવાર નથી બની. આ અગાઉ સપ્ટેમ્બર 2025માં પણ આ જ માલવાહક રોપ વેનો કેબલ તૂટ્યો હતો, જેમાં 6 નિર્દોષ લોકોના કરુણ મોત નીપજ્યા હતા. તે સમયે મોટી મોટી તપાસની વાતો કરાઈ હતી, પરંતુ ફરી એકવાર આ જ પ્રકારે કેબલ તૂટતાં હવે તંત્રની ઘોર બેદરકારી છતી થઈ છે. અગાઉ ગંભીર અકસ્માત સર્જાયા છતાં રોપવેની સુરક્ષા, મેન્ટેનન્સ અને મંજૂરી આપનાર અધિકારીઓ સામે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. વારંવાર બનતી આવી જાનલેવા ઘટનાઓને પગલે હવે જવાબદાર તંત્ર અને રોપવે સંચાલકોની ભૂમિકા શંકાના ઘેરામાં આવી ગઈ છે. લાખો શ્રદ્ધાળુઓ અને કામદારો જ્યાં અવરજવર કરે છે તેવા પવિત્ર ધામમાં આવી બેદરકારી કેમ? શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? હાલ તો સ્થાનિકો અને યાત્રાળુઓ દ્વારા રોપવેની સુરક્ષાને લઈને કડકમાં કડક પગલાં લેવામાં આવે અને જવાબદારો સામે સખત કાર્યવાહી થાય તેવી ઉગ્ર માંગ ઉઠી રહી છે.
હવે જોવાનું એ રહેશે કે વારંવાર થતી આવી દુર્ઘટનાઓ બાદ પણ તંત્ર કડક કાર્યવાહી કરે છે કે પછી ફરી એકવાર કાગળ પર તપાસ કરીને મામલો રફેદફે કરી દેવાશે.
