સુરતમાં દવાના નામે છેતરપિંડીના કથિત કૌભાંડનો પર્દાફાશ થયો છે. એસઓજી પોલીસે નકલી દવા બનાવી વેચવાના આરોપસર એક મેડિકલ સ્ટોરના સંચાલકની ધરપકડ કરી છે.

સુરતમાં દવાના નામે છેતરપિંડીના કથિત કૌભાંડનો પર્દાફાશ થયો છે. સુરત SOG પોલીસે નકલી દવા બનાવી વેચવાના આરોપસર એક મેડિકલ સ્ટોરના સંચાલકની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, અઠવા વિસ્તારમાં બડખા ચકલા, ગોપીપુરા મોમનાવાડ રોડ પર આવેલા શ્રી શાંતિનાથ મેડિકલ સ્ટોરમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

આ કાર્યવાહી દરમિયાન બેગમપુરા વિસ્તારમાં રહેતા 51 વર્ષીય મોહમ્મદ સાદિક ઈબ્રાહિમ મુલ્લાને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી હિમાલય કંપનીના પશુઓના  સપ્લિમેન્ટમાંથી પ્રવાહી નાની બોટલોમાં ભરી તેના પરનાં કથિત નકલી લેબલ લગાવી વેચતો હોવાનો પોલીસનો આરોપ છે. આ રીતે પશુઓ માટેના સપ્લિમેન્ટને બાળકોની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવા તરીકે રજૂ કરીને ગ્રાહકોને વેચવામાં આવતું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી Liv.52 Dropsની એક બોટલ, Liv.52 Protec Liquidની પાંચ લિટરની એક કેન, લેબલ વગરની ખાલી બોટલો, ઢાંકણાં અને Liv.52 Dropsનાં છ લેબલ સહિતનો સામાન કબજે કર્યો છે. આ ઉપરાંત મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા 31,195નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હાલમાં આ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દવાના નામે ગ્રાહકો સાથે છેતરપિંડી થતી હોવાના આક્ષેપો વચ્ચે આ કાર્યવાહીથી મેડિકલ સ્ટોરમાં વેચાતી દવાઓની વિશ્વસનીયતા અને સલામતી અંગે ફરી સવાલો ઉભા થયા છે.