અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નર્મદા જિલ્લા દ્વારા ગત તા. 15 ઓક્ટોબર, 2026ના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકર હૉલ ખાતે ‘સ્વયંસિદ્ધા છાત્રા સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં નર્મદા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આશરે 200 જેટલી વિદ્યાર્થીની-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
નર્મદા જિલ્લાના બાબાસાહેબ આંબેડકર હૉલ ખાતે ABVP દ્વારા આયોજિત ‘સ્વયંસિદ્ધા છાત્રા સંમેલન’માં મુખ્ય અતિથિ તરીકે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા પીઆઈ એમ.એમ.મૌર્ય વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ઉપસ્થિત વિદ્યાર્થીની-બહેનોને સામાજિક જાગૃતિ, મહિલા સુરક્ષા અને મહિલાઓના અધિકારો અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીની-બહેનોમાં સામાજિક જાગૃતિ કેળવવી, મહિલા સુરક્ષા અંગે સમજ વિકસાવવી તથા તેમનામાં આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાની ભાવના મજબૂત કરવાનો હતો. ABVP નર્મદા જિલ્લા દ્વારા વિદ્યાર્થીની-બહેનોના સર્વાંગી વિકાસ, સશક્તિકરણ અને સામાજિક જાગૃતિને પ્રોત્સાહન આપવાના હેતુથી આયોજિત આ સંમેલન પ્રેરણાદાયી રહ્યું હતું.
