ધ્રાંગધ્રામાં જીવંત રહી પ્રાચીન ગરબાની સંસ્કૃતિ
ડીજેના યુગમાં પણ જામ્યો પ્રાચીન ગરબાનો રંગ
વલ્લભ ભટ્ટ અને દયારામ રચિત પ્રાચીન ગરબાની ગૂંજ
સિનિયર સિટિઝન્સ સાથે યુવાધન પણ ઝૂમી ઉઠ્યું
નવરાત્રીમાં મહાલક્ષ્મી મંદિરે ભક્તિનો અનન્ય મહાસંગમ
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે આવેલ 132 વર્ષ જૂના અને સ્ટેટ વખતના ઐતિહાસિક શ્રી મહાલક્ષ્મી માતાજીના મંદિરમાં ભક્તિ અને પરંપરાનો એક અનોખો સંગમ જોવા મળી રહ્યો છે.
હાલ સમગ્ર રાજ્યમાં નવરાત્રીનો પવિત્ર પર્વ ધામધૂમથી ઉજવાય રહ્યો છે અને ખેલૈયાઓ ગરબે રમીને આનંદ માણી રહ્યા છે. આ પવિત્ર દિવસોમાં માઁ જગદંબાની ભક્તિ લોકો પોતપોતાની રીતે કરતા હોય છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે આવેલ 132 વર્ષ જૂના અને સ્ટેટ વખતના ઐતિહાસિક શ્રી મહાલક્ષ્મી માતાજીના મંદિરમાં ભક્તિ અને પરંપરાનો એક અનોખો સંગમ જોવા મળી રહ્યો છે.
આ ઐતિહાસિક મંદિરમાં નવરાત્રી દરમિયાન માતાજીને દરરોજ અલગ-અલગ દિવ્ય શણગાર કરવામાં આવે છે, જેનાથી શ્રદ્ધાળુઓને માતાજીના વિવિધ સ્વરૂપોના અદ્ભુત દર્શન કરવાનો લાભ મળે છે. અહીંની સૌથી ખાસ વાત એ છે કે આધુનિક ડીજે અને ડિસ્કો દાંડિયાના જમાનામાં પણ અહીં પ્રાચીન પરંપરા મુજબ બેસીને ગરબા ગાવામાં આવે છે. મંદિરમાં સિનિયર સિટિઝનો દ્વારા કવિ વલ્લભ ભટ્ટ અને દયારામ રચિત પ્રાચીન ગરબા, આરતી અને થાળ ભાવપૂર્વક લયબદ્ધ રીતે ગાવામાં આવે છે.
મંદિરમાં રાત્રે 9 થી 11 વાગ્યા સુધી યોજાતા આ ગરબા માત્ર વડીલો પૂરતા સીમિત નથી રહ્યા, પરંતુ આજની નવી પેઢીના યુવક-યુવતીઓ અને નાના બાળકો પણ આ પ્રાચીન ગરબા તરફ આકર્ષાઈને મોટી સંખ્યામાં જોડાય છે. આજના ભૌતિક યુગમાં પણ યુવાનોને આ પ્રાચીન ગરબામાં એક અનોખો આનંદ અને શાંતિ અનુભવાય છે. ઉલ્લેખનીય છે કે મહાલક્ષ્મી માતાજીના આ મંદિરમાં માત્ર આસો નવરાત્રી જ નહીં, પરંતુ ચૈત્રી નવરાત્રી અને વર્ષની તમામ પૂનમે પણ આ જ રીતે પરંપરાગત ગરબાનું આયોજન કરવામાં આવે છે.
