બીજા ખોડલધામની અટકળો પર મુકાયું પૂર્ણવિરામ
નવરાત્રીમાં જ બીજા ખોડલધામની ઓફિસિયલ જાહેરાત
અન્નપૂર્ણા ખોડલધામના નામથી બનશે બીજું ખોડલધામ
સમાજના અગ્રણી મુકેશ પટેલ બનાવશે અન્નપૂર્ણા ખોડલધામ
પાટીદાર અગ્રણી જયંતિ એકલારાના નામની પણ જાહેરાત
સુરતના મોટા વરાછાના શેરી ગરબામાં બીજા ખોડલધામ અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી,જેમાં અન્નપૂર્ણા ખોડલધામની સ્થાપના અંગેની માહિતી આપવામાં આવી હતી.
સુરત શહેરમાં બીજા ખોડલધામની સ્થાપનાને લઈને લાંબા સમયથી અનેક પ્રકારની અટકળો અને ચર્ચાઓ ચાલી રહી હતી.ભૂતકાળમાં કાગવડ ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલ દ્વારા પણ સુરતમાં ખોડલધામ સંકુલ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને પગલે સમાજમાં આ વિષય સતત કેન્દ્રસ્થાને રહ્યો હતો.હવે સુરતમાં બીજા ખોડલધામના નિર્માણ અંગે સત્તાવાર જાહેરાત થઈ જતાં તમામ ચર્ચાઓ પર આખરે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.
આ મહત્વપૂર્ણ જાહેરાત મોટા વરાછા વિસ્તારમાં આયોજિત કરાયેલા પ્રખ્યાત શેરી ઓટલો નવરાત્રી મહોત્સવના મંચ પરથી કરવામાં આવી હતી.
સુરતમાં બનનારું આ નવું ખોડલધામ ‘અન્નપૂર્ણા ખોડલધામ’ તરીકે ઓળખાશે અને તે જ નામથી તેનું નિર્માણ કાર્ય આગળ વધારવામાં આવશે.નવરાત્રી પર્વના પાવન અવસરે ભક્તિભાવના વાતાવરણમાં આ ઝાંખી રજૂ થતાં કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને આ પ્રોજેક્ટના સ્વરૂપ અંગેની ચિત્ર સ્પષ્ટતા થઈ હતી. અન્નપૂર્ણા ખોડલધામ પ્રોજેક્ટની સત્તાવાર જાહેરાત સાથે જ આ ભગીરથ કાર્ય પાછળ રહેલા બે મુખ્ય ચહેરાઓ પણ હવે સ્પષ્ટપણે લોકોની સામે આવી ગયા છે.આ ગરબા મહોત્સવ દરમિયાન જાહેર કરાયેલી વિગતો અનુસાર, પાટીદાર સમાજના જાણીતા અગ્રણી મુકેશ પટેલ અન્નપૂર્ણા ખોડલધામ બનાવશે.
ગરબા મહોત્સવના મંચ પરથી અન્નપૂર્ણા ખોડલધામના સ્વપ્ન દ્રષ્ટા તરીકે મુકેશ પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી.તેમની સાથે જ પાટીદાર સમાજના અન્ય આગેવાન જયંતિ એકલારાનું નામ પણ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.આ બંને અગ્રણીઓની સક્રિય આગેવાની હેઠળ સમગ્ર મંદિર નિર્માણની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.નવરાત્રી મહોત્સવમાં થયેલી આ ઐતિહાસિક ઘોષણા બાદ પાટીદાર સમાજમાં એકતા અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, જેનાથી સુરતના પાટીદારોમાં નવી આશા જાગી છે અને ભાવિ આયોજનોને મોટો વેગ મળશે.
