સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં બાંધકામ સાઇટ પર પાણીથી ભરેલા લિફ્ટના ખાડામાં પટકાતાં 2 બાળકોના કરૂણ મોત નિપજતા અરેરાટી ફેલાઈ છે.

સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાંથી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ભેસ્તાન વિસ્તારમાં આવેલા ભગવતી ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં પ્લોટ નંબર 41થી 43માં બાંધકામની કામગીરી ચાલી રહી હતી, જ્યાં શ્રમિક પરિવાર કામગીરીમાં વ્યસ્ત હતો, ત્યારે 3 વર્ષનો બાળક અલ્કેશ કટારા અને 2 વર્ષીય બાળકી રીટા કટારા રમતાં રમતાં પાણીથી ભરેલા લિફ્ટના ખાડામાં પડી ગયાં હતા. સમી સાંજે બનેલી આ ઘટનામાં બન્ને બાળકોનાં મોત થયા હતા. રમવાની ઉંમરે બન્ને બાળકોએ જીવ ગુમાવતાં સમગ્ર ઘટનાએ લોકોમાં અરેરાટી ફેલાવી છે. ઘટના બાદ બન્ને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, બાંધકામ સ્થળે બાળકોની સુરક્ષાને લઈને પણ આ ઘટનાએ ગંભીર સવાલો ઊભા કર્યા છે.