ભરૂચ નજીકથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર મનુબર ગામ પાસે ટેમ્પો અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા હતા. મૃતકોમાં વડોદરાના પીએસઆઇનો પણ સમાવેશ થાય છે

ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર મનુબર ગામ પાસે ટેમ્પો અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકો પૈકી ત્રણનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં. મૃતકોમાં વડોદરાના 27 વર્ષીય PSI યશ પટેલનો પણ સમાવેશ થાય છે. વડોદરાથી ભરૂચ તરફ આવી રહેલી કારને મનુબર ગામ નજીક ટેમ્પો સાથે અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર પલટી ખાઈ ગઈ હતી અને કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.આ દુર્ઘટનામાં વડોદરાના 27 વર્ષીય PSI યશ પટેલ, મહેસાણાના 27 વર્ષીય પાર્થ પટેલ અને 28 વર્ષીય અસફાક મોનીનનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. કારમાં સવાર અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. મિત્રો એક મિત્રને મળવા માટે ભરૂચ આવી રહ્યા હતા. તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી.ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગે તપાસ શરૂ કરી હતી. અકસ્માત બાદ ટેમ્પો ચાલક ટેમ્પો સ્થળ પર જ મૂકી ફરાર થઇ ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ આગળ ચાલતા ટેમ્પામાં કાર પાછળથી ભટકાય હતી અને કાર પાછળથી અન્ય વાહનની પણ ટક્કર લાગતા કાર પલટી મારી ગઈ હતી. બનાવની જાણ થતાની સાથે જ તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.