તા. 18 ઓક્ટોબર, 2026ના રોજ ભરૂચ રેલવે પોલીસને પાલઘર પોલીસ સ્ટેશન, મહારાષ્ટ્ર તરફથી ટેલિફોનિક બાતમી મળી હતી કે મુકેશ મોહનલાલ પરમાર (ઉં.વ. 24), રહે. પાલઘર ઈસ્ટ, મહારાષ્ટ્ર, પોતાના પિતાની હત્યા કર્યા બાદ ટ્રેન મારફતે રાજસ્થાન તરફ ભાગી રહ્યો હોવાની શંકા છે.

આ બાતમીના આધારે પીઆઈ કે. એસ.દેસાઈના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર રેલવે સ્ટેશન પરથી પસાર થતી ટ્રેન નંબર 19217 સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે ટ્રેનના પાછળના જનરલ કોચમાં તપાસ કરતાં બાતમીમાં જણાવેલા નામ અને વર્ણન સાથે મેળ ખાતો શખસ મળી આવ્યો હતો.

પોલીસે તેને ઝડપી ભરૂચ રેલવે સ્ટેશન ખાતે ઉતારી પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન તેણે પાલઘર ખાતે હત્યાનો ગુનો કર્યો હોવાનું જણાવ્યું હતું.આરોપી અંગે પાલઘર પોલીસને જાણ કરવામાં આવી હતી.  હત્યાના ગુનાના સંદર્ભમાં આરોપીનો કબજો પાલઘર પોલીસને સોંપવામાં આવ્યો હતો.