ભરૂચના આમોદના ઇખર ગામનો બનાવ
પિતાની પુત્રએ કરી હતી હત્યા
હત્યારા પુત્રની ધરપકડ
પોલીસે આરોપીનું જાહેરમાં સરઘસ કાઢ્યુ
પેટ્રોલ છાંટી પિતાને સળગાવી દીધા હતા
ભરૂચના આમોદના ઇખર ગામે 92 વર્ષના પિતાને પેટ્રોલ છાંટી જીવતા સળગાવી હત્યા કરવાના મામલામાં પોલીસે હત્યારા પુત્રનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યુ હતું.
ભરૂચના આમોદ તાલુકાના ઇખર ગામમાં માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં 92 વર્ષના વૃદ્ધ પિતા મહંમદ યુસુફ પટેલની પેટ્રોલ છાંટી જીવતા સળગાવી હત્યા કરવામાં આવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ ઘટનામાં વૃદ્ધના પુત્ર મુસ્તાકની સંડોવણી સામે આવતાં આમોદ પોલીસે તેની ધરપકડ કરી છે. ઇખર ગામના મહંમદ યુસુફ પટેલનો બળેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની તપાસ દરમિયાન તેમના પુત્ર મુસ્તાકે જ પેટ્રોલ છાંટી પિતાને સળગાવી દીધા હોવાની વિગતો સામે આવી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આમોદ પોલીસે આરોપી મુસ્તાકની ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસે આરોપીને ગામમાં લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ દરમિયાન આરોપીને ગામમાં ફેરવવામાં આવતાં લોકોમાં ભારે ચકચાર મચી હતી.92 વર્ષના વૃદ્ધ પિતાની હત્યાની આ ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી છે. હાલ આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
