ભરૂચ વાગરા તાલુકાના ભેરસમ વસાહત નજીક કેમિકલ વેસ્ટ ભરેલું ટેન્કર પલટી જતાં ચકચાર મચી ગઈ હતી. નાળા સાથે ટેન્કર અથડાતાં અકસ્માત એટલો ગંભીર બન્યો કે ટેન્કરની કેબિનનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો, જ્યારે આગળનાં ટાયર પણ છૂટા પડી ગયા હતા. સદનસીબે, પ્રાથમિક અહેવાલો મુજબ આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

ભેરસમ વસાહત નજીકથી પસાર થઈ રહેલું કેમિકલ વેસ્ટ ભરેલું ટેન્કર નાળા સાથે અથડાયા બાદ પલટી મારી ગયું હતું. રસ્તાની વચ્ચે જ ટેન્કર પલટી જતાં વાહનચાલકોની મુશ્કેલીઓમાં વધારો થયો હતો અને વાહનવ્યવહાર પણ પ્રભાવિત બન્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, ટેન્કરમાં કેમિકલ વેસ્ટ ભરેલો હતો અને તે સાયખા GIDC તરફ જઈ રહ્યું હતું.
