ભરૂચ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીએ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન તડવી સાથે ગાળાગાળી કરી ધમકી આપી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. આ મામલે મહિલા પ્રમુખે પોલીસનો દરવાજો ખખડાવ્યો છે.


ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલી બેઠક દરમિયાન આ સમગ્ર ઘટના બની હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, AICCના સભ્યની હાજરીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી અને જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન તડવી વચ્ચે વિવાદ થયો હોવાની રજૂઆત કરવામાં આવી છે.આ ઘટનાને પગલે જ્યોતિબેન તડવીએ ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે. તેમણે સમગ્ર મામલે તપાસ હાથ ધરી જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.