પુણાગામની અંજની સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યા

4 મહિનાથી પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓ રોષે ભરાય

સ્થાનિક મહિલાઓ ખાલી વાસણો સાથે રસ્તા પર ઉતરી આવી

દૂષિત-ઓછા પ્રેશરથી આવતા પાણીની અનેક રજૂઆત : સ્થાનિક

ઉકેલ નહીં આવે તો ઝોન ઓફિસમાં માટલા ફોડવાની ચીમકી

સુરત શહેરના પુણાગામ વિસ્તારની અંજની સોસાયટીમાં છેલ્લા 4 મહિનાથી પીવાના પાણીની સમસ્યા સર્જાતા સ્થાનિક મહિલાઓએ ખાલી ડોલ અને બેડાં ખખડાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

સુરતમાં છેલ્લા કેટલાક સમયથી પીળા અને દૂષિત પાણીની ફરિયાદો વચ્ચે હવે પુણાગામ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. પુણાગામની અંજની સોસાયટીમાં છેલ્લા 4 મહિનાથી પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી, અને જે પાણી આવે છે તે પણ દૂષિત હોવાની ફરિયાદો છતાં પાલિકા દ્વારા નક્કર ઉકેલ નહીં આવતાં સ્થાનિક મહિલાઓમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો.

વારંવાર રજૂઆતો છતાં સમસ્યા યથાવત્ રહેતાં મોટી સંખ્યામાં મહિલાઓ ખાલી ડોલ, ટબ અને બેડાં લઈને રસ્તા ઉપર ઊતરી આવી હતી. વાસણો ખખડાવીને પાલિકા સામે વિરોધ પ્રદર્શન કરનારી મહિલાઓએ વહેલી તકે પાણીની સમસ્યા ઉકેલવા માંગ કરી છે.

તો બીજી તરફ, જે પાણી મળે છે તેની ગુણવત્તા સામે સવાલો ઊભા થતાં મહિલાઓની હાલાકી વધી છે. સ્થાનિક મહિલાઓના જણાવ્યા મુજબ પાણીની સમસ્યા અંગે પાલિકાના તંત્રને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. પરિણામે ક્ષણિક મહિલાઓએ રસ્તા ઉપર ઊતરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

આ વિરોધ પ્રદર્શન અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્યએ પણ માહિતી આપી હતી. મહિલાઓએ સ્પષ્ટ ચીમકી આપી હતી કે, આગામી દિવસોમાં પાણીનો પૂરતો અને શુદ્ધ પુરવઠો શરૂ કરવામાં નહીં આવે તો પાલિકાની ઝોન ઓફિસ ખાતે માટલા ફોડીને વધુ ઉગ્ર વિરોધ કરવામાં આવશે. શહેરમાં પાણીની ગુણવત્તા અંગે ઊઠતી ફરિયાદો વચ્ચે પુણાગામની આ ઘટનાએ પાણી પુરવઠાની વ્યવસ્થા સામે વધુ એક સવાલ ઊભો કર્યો છે.