અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ

અંદાડાની આઘ્યા હોમ્સમાં તસ્કરો ત્રાટકયા

બંધ મકાનને તસ્કરોએ બનાવ્યુ નિશાન

રૂ.5.13 લાખના માલમત્તાની ચોરી

પોલીસે CCTV ફુટેજની તપાસ શરૂ કરી

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે આવેલી આધ્યા હોમ્સ સોસાયટીમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપી રૂ.5.13 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે આવેલી આધ્યા હોમ્સ સોસાયટીમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી સોનાના કિંમતી દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 5,13,500ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. એટલું જ નહીં, સોસાયટીનાં અન્ય બંધ મકાનોને પણ નિશાન બનાવી તાળાં તોડવાનો પ્રયાસ કરવામાં આવતાં રહીશોમાં ભય અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

મકાનમાલિક ભૌમિક પટેલ અંગત કારણોસર પોતાના વતન ગયા હતા. આ દરમિયાન તેમના પાડોશીએ ફોન કરીને ઘરના દરવાજા ખુલ્લા હોવાની અને ઘરમાં સામાન વેરવિખેર પડ્યો હોવાની જાણ કરી હતી. જેથી ભૌમિક પટેલ તાત્કાલિક ઘરે પરત દોડી આવ્યા હતા. ઘરે આવી તપાસ કરતાં તસ્કરો ઘરમાંથી કિંમતી દાગીના અને રોકડ રકમ ચોરી ગયા હોવાનું સામે આવ્યું હતું.

ઘટનાની જાણ થતાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે સોસાયટીમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાનાં ફૂટેજ તપાસવાની સાથે FSLની મદદથી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. હાલ તસ્કરોને ઝડપી પાડવા પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.