સાયણ ઝોનમાં વિવર્સે દિવાળી વેકેશન લંબાવ્યું
તૈયાર કાપડનો સ્ટોક ભરાયો,યાર્નના ભાવ ગગનચુંબી
કાચા માલના ભાવમાં વધારાથી વિવર્સની મુશ્કેલી વધી
15 દિવસમાં 60 કરોડ મીટર કાપડનું ઉત્પાદન ઓછું થશે
વીજ સંકટ ઉકેલવા વિજય માંગુકિયા DGVCLમાં કરશે રજૂઆત
સુરત અને સાયણ ઝોનના કાપડ ઉદ્યોગમાં ચાલી રહેલી તીવ્ર મંદી અને દિવાળી પછીની આર્થિક સ્થિતિને પહોંચી વળવા માટે વિવર્સ અગ્રણીઓની એક મહત્વની બેઠક યોજાઈ હતી.
સુરત અને સાયણ ઝોનના કાપડ ઉદ્યોગમાં ચાલી રહેલી તીવ્ર મંદી અને દિવાળી પછીની આર્થિક સ્થિતિને પહોંચી વળવા માટે વિવર્સ અગ્રણીઓની એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ વિવર્સ દ્વારા એકત્રિત થઈને દર વર્ષની સરખામણીએ આ વર્ષે દિવાળી વેકેશન લંબાવવાનો સામુહિક અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
છેલ્લા કેટલાક સમયથી માર્કેટમાં ગ્રાહકોની લેવાલી ન હોવાના કારણે કારખાનેદારો પાસે તૈયાર કાપડનો મોટો સ્ટોક જમા થઈ રહ્યો છે. એક તરફ કાપડ વેચાણ ઠપ છે, તો બીજી તરફ કાચા માલ એટલે કે ‘યાર્ન’ના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે વિવર્સ બેવડી મુશ્કેલીમાં મુકાયા છે. વિવર્સના નિર્ણય મુજબ, દિવાળીનું વેકેશન લંબાવવાથી આગામી 15 દિવસમાં અંદાજે 60 કરોડ મીટર કાપડનું ઉત્પાદન ઘટશે, જેનાથી પાઇપલાઇનમાં રહેલો જૂનો સ્ટોક ક્લિયર કરવામાં મદદ મળશે.
આ ઉપરાંત, ટેક્સટાઇલ એકમોને પડી રહેલી વીજ સમસ્યાઓ અને વીજ સંકટ અંગે પણ બેઠકમાં ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. વિવર્સ અગ્રણી વિજય માંગુકિયા આ મામલે ટૂંક સમયમાં જ ડીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરશે. મંદીના વાદળો વચ્ચે વિવર્સ દ્વારા લેવાયેલો આ વેકેશન લંબાવવાનો નિર્ણય કાપડ બજારને નવી દિશા આપશે કે કેમ તે જોવું રહ્યું.
