અંકલેશ્વરનો મહત્વનો બ્રિજ બંધ
પ્રતિન ઓવરબ્રિજ બંધ રહેતા વાહનચાલકો મુશ્કેલીમાં
ભારે ટ્રાફિકજામની સમસ્યા
બ્રિજ પરથી નાના વાહનોને પસાર થવા દેવા માંગ
અંકલેશ્વરમાં પ્રતીન બ્રિજ સાથે અકસ્માત બાદ ભારે ટ્રાફિક સમસ્યા સર્જાતા નોકરીયાતો અને નાના વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાતા તંત્રને તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે.
અંકલેશ્વરમાં 23 ઓક્ટોબરે સુરતથી ભરૂચ તરફ આવતા રસ્તા પર પ્રતીન બ્રિજ નીચે ટ્રેલરનો અકસ્માત સર્જાતા બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો હતો. અકસ્માતના કારણે GIDC વિસ્તારમાં નોકરી કરતા કામદારો, ઉદ્યોગકારો તેમજ ટેમ્પાચાલકોને ભારે હાલાકી અને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
બ્રિજ અંગેનું ટેસ્ટિંગ રિપોર્ટ કરાતા નેગેટિવ રિપોર્ટ આવ્યો છે. પરંતુ જો આ બ્રિજ પર રિક્ષા અને ટુ-વ્હીલર વાહનોને મંજૂરી આપવામાં આવે, તો દિવાળી સુધીમાં નાગરિકોને ખૂબ જ રાહત મળી શકે તેમ છે અને લોકો સમયસર નોકરી તથા ઉદ્યોગકારો સમયસર ઘરે પહોંચી શકે તેમ છે.
ટેમ્પાચાલકોના પણ કલાકો બગડી રહ્યા છે.આ સમસ્યાના નિરાકરણ માટે કલેક્ટર, જિલ્લા વહીવટી તંત્ર, જી.આઈ.ડી.સી. પ્રેસિડેન્ટ, ધારાસભ્ય અને સંસદસભ્ય સહિતના તમામ પદાધિકારીઓએ ભેગા મળીને વહેલી તકે ઉકેલ લાવવો જરૂરી છે. જો બ્રિજનું સંપૂર્ણ રિપેરિંગ કરીને ચાલુ કરવામાં આવે તો હાઇવે નીચે ચાલુ હોવાથી તેમાં 5 થી 6 મહિનાનો સમય લાગી શકે તેમ છે. જેને ધ્યાને લઇ દિવાળી પહેલાં રિક્ષા અને ટુ-વ્હીલર માટે બ્રિજ વહેલી તકે ચાલુ કરવા રજૂઆત કરવામાં આવી છે.
