ભરૂચ જિલ્લા પંચાયત કચેરીના સમિતિ ખંડ ખાતે જિલ્લા વિકાસ અધિકારી અને ડિસ્ટ્રિક્ટ આયુષ સોસાયટીના ચેરમેન યોગેશ કાપસેની અધ્યક્ષતામાં આયુર્વેદ શાખાની ડિસ્ટ્રિક્ટ એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં આયુર્વેદ શાખા દ્વારા છેલ્લા ત્રણ મહિના દરમિયાન કરવામાં આવેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. આમ્રપાલીબેન પટેલે જુલાઈથી સપ્ટેમ્બર માસ દરમિયાન થયેલી આયુર્વેદ શાખાની ભૌતિક અને નાણાકીય કામગીરીની વિગતો રજૂ કરી હતી. આ ઉપરાંત આશ્રમશાળાઓમાં યોગ ઇન્સ્ટ્રક્ટરો દ્વારા યોજાયેલા યોગ સેશન, પોષણ માહ-૨૦૨૬ અંતર્ગત કરવામાં આવેલી કામગીરી, રાષ્ટ્રીય આયુર્વેદ કેમ્પ તેમજ વિવિધ આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓની સમીક્ષા કરવામાં આવી હતી.
વાલિયા તાલુકાના લુણા ગામે અને જંબુસર ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરના રિનોવેશનની કામગીરી, સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભરૂચ શહેરની વિવિધ હોસ્પિટલોમાં હાથ ધરાયેલા સ્વચ્છતા અભિયાન તથા ભૃગુઋષિ મંદિર સહિતનાં સ્થળોએ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી નિમિત્તે આયોજિત આયુર્વેદ કેમ્પની કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેએ આયુર્વેદિક OPDની કામગીરી અને વોલ પેઇન્ટિંગ અંગે જરૂરી સૂચનો આપ્યાં હતાં. ખાસ કરીને વોલ પેઇન્ટિંગમાં આરોગ્યલક્ષી માહિતી એવી સરળ ભાષામાં રજૂ કરવા માર્ગદર્શન આપ્યું હતું કે સામાન્ય દર્દીઓ પણ તેને સરળતાથી સમજી શકે અને તેનો લાભ લઈ શકે.
