ભૂલકાના સ્વાસ્થ્ય અને બાળપણને ઘડતી સ્માર્ટ આંગણવાડીઓ

મનપાના 364 આંગણવાડી કેન્દ્રો સર્વાંગી વિકાસનું માધ્યમ બન્યા

બાળકો માટે ઉત્તમ પોષણ અને ડિજિટલ મૉનિટરિંગની પાયાની સુવિધા

સ્માર્ટ સ્ક્રીન થકી બાળપણના પાયાને મજબૂત કરતી નવીનતમ પહેલ

શિક્ષણ,સુપોષણ અને સુવિધાઓની ત્રિવેણી સંગમની આધારશિલા

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત 364 આંગણવાડી કેન્દ્રો સ્માર્ટ કલાસરૂમ અને ડિજિટલ મોનિટરિંગથી સજ્જ થઈ ભૂલકાંઓના સર્વાંગી વિકાસનું કેન્દ્ર બન્યા છે.  

બાળપણના પાયામાં જ્યારે આધુનિક શિક્ષણ અને ઉત્તમ પોષણનો સંગમ રચાય, ત્યારે આવતીકાલ આપોઆપ સુરક્ષિત બને છે. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત 364 આંગણવાડી કેન્દ્રો સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ મોનિટરિંગથી સજ્જ થઈ ભૂલકાંઓના સર્વાંગી વિકાસનું કેન્દ્ર બન્યા છે.

રમકડાં અને સ્માર્ટ સ્ક્રીન થકી શિક્ષણની સાથે સાથે અહીં બાળકોના સ્વાસ્થ્યની પણ વિશેષ કાળજી લેવાય છે. રાજ્યભરનાં દસ હજાર કેન્દ્રોને સ્માર્ટ બનાવવાની દિશામાં આ પહેલ કેવી રીતે બાળકોનું ભવિષ્ય ઘડી રહી છે.

રાજકોટના આ મોડેલ કેન્દ્રોમાં સ્માર્ટ ટીવી અને આધુનિક શૈક્ષણિક સાધનોની મદદથી બાળકો રમત-રમતમાં ભાષા તેમજ ગણિતનું પાયાનું જ્ઞાન મેળવે છે. આ ઉપરાંત, બાળકોની ઊંચાઈ, વજન અને વૃદ્ધિદરની ડિજિટલ નોંધ રાખી તેમના શારીરિક વિકાસ પર સતત નજર રાખવામાં આવે છે.

કેન્દ્રમાં દૈનિક છ કલાકના રોકાણ દરમિયાન બાળકો સ્વચ્છતા અને સદાચારના પાઠ પણ શીખે છે. અહીં બાળકોને દિવસમાં ત્રણ વખત તાજા ફળો અને પૌષ્ટિક આહાર પીરસાય છે. જો કોઈ બાળકમાં કુપોષણનાં લક્ષણો જણાય, તો તાત્કાલિક પરિવારનો સંપર્ક કરી અર્બન હેલ્થ સેન્ટર મારફતે વિનામૂલ્યે સારવાર અને દવાઓ ઉપલબ્ધ કરાવાય છે. વળી, વ્હોટ્સએપ ગ્રુપ દ્વારા બાળકની પ્રવૃત્તિઓની તસવીરો નિયમિતપણે વાલીઓ સુધી પહોંચાડવામાં આવે છે.

સમગ્ર રાજ્યની દસ હજારથી વધુ આંગણવાડીઓને હાઈટેક લર્નિંગ સેન્ટરમાં પરિવર્તિત કરવાનો સંકલ્પ હવે સાકાર થઈ રહ્યો છે. પ્રારંભિક શિક્ષણ, સુપોષણ અને ડિજિટલ સુવિધાઓનો આ ત્રિવેણી સંગમ બાળપણને સશક્ત બનાવી ગુજરાતના ઉજ્જવળ ભવિષ્યની મજબૂત આધારશિલા રચી રહ્યો છે.