દિવાળીના તહેવારોમાં દબાણ હટાવ ટીમનો સપાટો
બજારના મુખ્ય રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા
મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં
ઘોઘા ગેટ અને ગંગાજળીયા તળાવ વિસ્તારમાંથી દબાણો દૂર કરાયા
રોડ પર અડચણરૂપ લારી-ગલ્લા અને સામાન જપ્ત
ભાવનગર શહેરમાં શોપિંગ માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ તહેવારોની ભીડને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા એક મોટી દબાણ હટાવ ડ્રાઇવ યોજવામાં આવી હતી.
દિવાળીના તહેવારો નજીક આવતા જ ભાવનગર શહેરમાં શોપિંગ માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ તહેવારોની ભીડને ધ્યાનમાં રાખીને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એક મોટી દબાણ હટાવ ડ્રાઇવ યોજવામાં આવી હતી. શહેરના મુખ્ય બજારોમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું છે.
તહેવારો દરમિયાન નાગરિકોને ખરીદીમાં સરળતા રહે અને વાહનવ્યવહાર સુગમ બની રહે તે માટે ભાવનગર મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા અને ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મનપાની ટીમે શહેરના મુખ્ય બજાર, ઘોઘા ગેટ, હેવમોર ચોક, ગંગાજળીયા તળાવથી લઈને વડવા વોશિંગ ઘાટ સુધીના તમામ રસ્તાઓ પર અડચણરૂપ બનેલા ગેરકાયદે દબાણો દૂર કર્યા હતા. કાર્યવાહી દરમિયાન રસ્તા પર મુકાયેલા લારી-ગલ્લા અને ટ્રાફિકને નડતરરૂપ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.
બીજી તરફ, ટ્રાફિક પોલીસ દ્વારા રોડ પર બેદરકારીપૂર્વક વાહનો પાર્ક કરનારા ચાલકો સામે પણ લાલ આંખ કરવામાં આવી હતી.અડચણરૂપ વાહનોને હટાવીને યોગ્ય પાર્કિંગમાં મુકવાની સૂચના આપવામાં આવી હતી,તેમજ નિયમભંગ કરનારા ચાલકોને નોટિસ ફટકારવામાં આવી હતી.
