મધ્યપ્રદેશના કટની જિલ્લાના બરહીમાં દિવાળીની રાત્રે એક ત્રણ માળની ઈમારતમાં ભીષણ આગ લાગતા એક જ પરિવારના 6 સભ્યો જીવતા બળી ગયા હતા. રાત્રે આશરે 12 વાગ્યે ક્રોકરીની દુકાનમાં લાગેલી આગ જોતજોતમાં સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આ સમગ્ર દુર્ઘટનાની તપાસ શરૂ કરી છે.
આ ભયાનક અકસ્માતમાં 77 વર્ષીય પૂરન અગ્રવાલ, તેમના પત્ની ચંદ્રકલા, પુત્રવધૂ પૂનમ, પૌત્રીઓ આર્યા, અન્વી અને માત્ર 2 મહિનાના માસૂમ બાળકનું કરૂણ મોત નીપજ્યું હતું. પૂનમ અને તેમનું 2 મહિનાનું બાળક ત્રીજા માળે ફસાયેલા હતા, જ્યારે ચંદ્રકલા અને બંને બાળકીઓ અન્ય રૂમમાં ફસાઈ ગઈ હતી. બીજી તરફ, રિતેશ અગ્રવાલ અને તેમની ભાભી સમયસર બહાર દોડી આવતા તેઓનો જીવ બચી ગયો હતો.
તંત્રની ઢીલી કામગીરી વચ્ચે સ્થાનિક યુવાનોએ હિંમત દાખવીને બચાવ કાર્યમાં મોરચો સંભાળ્યો હતો. સવારે આશરે 4:30 વાગ્યે પૂરન અગ્રવાલને બહાર કઢાયા હતા, પરંતુ ત્યાં સુધીમાં તેમનું મોત થઈ ચૂક્યું હતું. ત્યારપછી સવારે 6:30 વાગ્યે જેસીબી વડે દીવાલ તોડીને અન્ય 5 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.
