ભરૂચના શુકલતીર્થ ખાતે આયોજન
ભાતીગળ મેળાનું આયોજન
ટેન્ટની અનોખી પરંપરા
શ્રદ્ધાળુઓ નદીના પટમાં જ રહે છે
ચૂલા પર જ રસોઈ બનાવે છે
પાવન સલીલામાં નર્મદાના કિનારે આવેલ શુકલતીર્થના પૌરાણિક મેળામાં ટેન્ટની અનોખી પરંપરા જોવા મળી રહી છે.શ્રદ્ધાળુઓ નદીના પટમાં ટેન્ટ બાંધી રહે છે
ભરૂચ નર્મદા કિનારે આવેલા પૌરાણિક શુક્લતીર્થ ખાતે કારતકી અગિયારસથી ભાતીગળ ધાર્મિક મેળાનો ભવ્ય પ્રારંભ થયો છે.ધાર્મિક આસ્થા, પરંપરાગત સંસ્કૃતિ, ચકડોળ-રાઈડ્સ અને પરિવાર સાથે તંબુ બાંધીને રહેવાની અનોખી પરંપરાને કારણે આ મેળો વર્ષોથી લોકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે.
શુક્લતીર્થનો મેળો માત્ર ધાર્મિક કે મનોરંજન પૂરતો સીમિત નથી.આ મેળાની સૌથી વિશેષ અને અનોખી ઓળખ અહીંની ટેન્ટ સંસ્કૃતિ છે. ગુજરાતના વિવિધ વિસ્તારો અને આસપાસનાં ગામોમાંથી આવતા પરિવારો અહીં મેળાના દિવસો દરમ્યાન પોતાના તંબુ બાંધીને રહે છે. એટલું જ નહીં, ટેન્ટમાં લાઇટ, પંખા, કુલરથી લઈને વ્યક્તિગત બાથરૂમ અને ટોયલેટ જેવી સુવિધાઓ પણ ઊભી કરવામાં આવે છે.
આખું વર્ષ કામકાજમાં વ્યસ્ત રહેતા પરિવારો માટે આ મેળો સગાંસંબંધીઓ સાથે સમય વિતાવવાનો અને પરિવાર સાથે રહેવાનો અનોખો અવસર બની રહે છે. ટેન્ટમાં જ ચૂલા પર રસોઈ બનાવીને સામૂહિક ભોજન માણવાની પરંપરા આ મેળાને અન્ય મેળાઓથી અલગ ઓળખ આપે છે.આજના યુવાનો ગોવા, દમણ કે આબુ ફરવા જાય છે, પરંતુ શુક્લતીર્થના મેળામાં પરિવાર સાથે વિતાવેલા દિવસોની મજા કંઈક અલગ જ હોય છે.
