ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં આવેલ આદર્શ સોસાયટી ખાતે ક્રિસમસ પર્વની ઉજવણીના ભાગરૂપે બચ્ચા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં નાના ભૂલકાંઓએ વિવિધ રમત-સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ગુજરાત રાજ્યમાં વિશિષ્ટ દરજ્જાના એવોર્ડ પ્રાપ્ત કરનાર જે.એન.પિટિટ લાયબ્રેરી અને અખિલ હિન્દ મહિલા પરિષદ, અંકલેશ્વર શાખાના નેજા હેઠળ શહેરની આદર્શ સોસાયટી સ્થિત ચેતન શાહ અને દક્ષા શાહના યજમાનપદે ક્રિસમસની ઉજવણીના ભાગરૂપે બચ્ચા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ઉલ્લાસમય પાર્ટીમાં નાના ભૂલકાંઓ અને અલબત્ત મોટેરાઓએ પણ એન્જોય કર્યું હતું. આ પ્રસંગે સાન્ટા ક્લોઝએ મુઠ્ઠી અને હૈયું ભરીને ગિફ્ટ પણ આપી હતી. આ વેળા કાર્ડ કોમ્પિટિશન, વેશભૂષા અને વિવિધ રમતોના વિજેતા બાળકોને ભેટ સોગાદની લ્હાણી કરવામાં આવી હતી. નાના બાળકો અને તેમના વાલીઓએ વિવિધ રમતો અને ગીત સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન મહિલા બાળ લાયબ્રેરીના સંચાલક દક્ષા શાહ, સુરભી સોની દ્વારા કરવામાં આવ્યું હતું.
