ભારતમાં કોરોનાની ત્રીજી લહેરનો પ્રકોપ હવે લગભગ સમાપ્ત થઇ ગયો છે. ત્યારે છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 8,013 કેસ નોંધાયા છે અને 119 સંક્રમિત લોકોના મોત થયા છે. જો કે અહીં સારી બાબત એ છે કે છેલ્લાં 24 કલાકમાં 16,765 લોકો કોરોનાથી સાજા થયા છે, એટલે કે 8871 એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. આ પહેલાં ગયા વર્ષે 29 ડિસેમ્બરે 9195 કોરોનાના કેસ સામે આવ્યાં હતાં. કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ચાર કરોડ 29 લાખ 24 હજાર 130 લોકો સંક્રમિત થયા છે. જેમાંથી 5 લાખ 13 હજાર લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 4 કરોડ 23 લાખ લોકો સાજા પણ થયા છે.

દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા લગભગ 1 લાખ થઇ ગઇ છે. કુલ 1 લાખ 2 હજાર 601 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે કે જેઓની હાલમાં સારવાર ચાલી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસાર, 27 ફેબ્રુઆરી 2022 સુધી દેશભરમાં કોરોના રસીના 177 કરોડ 50 લાખ 86 હજાર ડોઝ આપવામાં આવ્યાં છે. અંતિમ દિવસોમાં 4 લાખ 90 હજાર રસી આપવામાં આવી હતી. આ સાથે ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) અનુસાર, અત્યાર સુધીમાં લગભગ 77 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે. અંતિમ દિવસોમાં લગભગ 7 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં.