સુરત શહેરમાં રક્ષાબંધન અને બળેવના પર્વમાં સ્નેહ, શ્રદ્ધા અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ રચાયો હતો,પવિત્ર શ્રાવણી પૂર્ણિમાની ભાવનાત્મક ઉજવણી કરવામાં આવી હતી.
પવિત્ર શ્રાવણી પૂર્ણિમા એટલે કે રક્ષાબંધન અને બળેવના પર્વે આજે સુરત શહેરમાં સ્નેહ, શ્રદ્ધા અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો.કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે પોતાના પરિવાર સાથે રક્ષાબંધનના પવિત્ર પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. બહેને કેન્દ્રીય મંત્રીને રાખડી બાંધીને તેમના દીર્ઘાયુ અને રક્ષાની કામના કરી હતી. આ પ્રસંગે સી.આર. પાટીલે દેશવાસીઓને રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે રક્ષાબંધન એ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ, વિશ્વાસ અને સંકલ્પનો તહેવાર છે. આખા દેશમાં દરેક રાજ્યમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર આ તહેવાર ઉજવાય છે.મહાભારતમાં પણ રક્ષાબંધનનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે.
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સુરતની લાજપોર જેલમાં પણ રક્ષાબંધનની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જેલમાં બંધ 3000 પુરુષ કેદીઓને રાખડી બાંધવા માટે તેમની બહેનો મોટી સંખ્યામાં જેલ પરિસરે પહોંચી હતી.અને બહેનોએ ભાઈઓના કાંડે રાખડી બાંધીને મોઢું મીઠું કરાવ્યું હતું, જે દરમિયાન અત્યંત ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા.જેલ તંત્ર દ્વારા બહેનો અને કેદી ભાઈઓ સરળતાથી મળી શકે તે માટે તમામ યોગ્ય અને સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી હતી.
રક્ષાબંધન અને બળેવ પર્વના પવિત્ર દિવસે સુરતમાં બ્રહ્મ સમાજ દ્વારા સામૂહિક યજ્ઞોપવિત બદલવાનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. તીર્થ તાપી ક્ષેત્રે આવેલ કરમનાથ મહાદેવના સાનિધ્યમાં સમસ્ત બ્રહ્મ સમાજના ભૂદેવો એકત્રિત થયા હતા.આ પ્રસંગે સનાતન પરંપરા મુજબ તેજસ્વિતા અને બ્રહ્મત્વની જાળવણી અર્થે શાસ્ત્રોક્ત વિધિથી નવી જનોઈ ધારણ કરવામાં આવી હતી.અને શાસ્ત્રી ભાવેશજીએ રક્ષાબંધન અને જનોઈ બદલવાના પૌરાણિક તથા ધાર્મિક મહત્ત્વ વિશે ભૂદેવોને વિસ્તૃત માહિતી આપી હતી.
