ભરૂચ ગતરોજ શહેરમાં રાત્રી દરમિયાન આગના બે બનાવો બનવા પામ્યા હતા. જેમાં કોઈ પણ જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.આગ પગલે ફાયર ફાઈટરો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી વૈકુંઠ બગ્લોઝના મકાન નંબર 2માં રહેતું પરિવાર ઘર બંધ કરી બહાર ગયું હતું તે દરમિયાન ઘરમાં અચાનક શોર્ટસર્કિટ થતા ઘર વખરી બળીને ખાખ થવા પામી હતી.

અચાનક બંધ ઘરમાં આગ લાગતા ધુમાડા નીકળતા બાજુ સ્થાનિકો દ્વારા ફાયર ફાઈટરો અને પરિવારને જાણ કરતા ફાયર ફાઈટરો ઘટના સ્થળે પોહીચી આગ પર કાબુ મેળવ્યો હતો પણ આગના પગલે ઘરમાં રહેલો સામાન બળીને ખાખ થઈ જવા પામ્યું હતું. જ્યારે આગની બીજી ઘટનામાં નદેલાવ ઓવર બ્રિજ નજીક લાકડા અને જૂના ફર્નીચરના ગોડાઉનમાં એકાએક આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી.ગોડાઉનમાં લાગેલી આગની જાણ ફાયર ફાઈટરોને કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ લાકડાઓનું ગોડાઉન હોવાથી આગના કારણે તમામ ચીજ વસ્તુઓ બળીને ખાખ થઈ જવા પામી હતી. ઉલ્લેખનીય છે કે ગતરોજ રાત્રી દરમિયાન આગની બંને ઘટનામાં કોઈ જાનહાની ન થતા ફાયર ફાયટરો અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.