કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના હવામાન વિભાગે તાપમાનને લઈને મોટી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં કાળઝાળ ગરમીનો દૌર યથાવત રહેવા પામ્યો છે. અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર કરી ગયો છે.

રાજ્યના હવામાન વિભાગની આગાહી અનુસાર, અમદાવાદ શહેર તહતા જીલ્લામાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચી ચૂક્યો છે. જોકે, બપોર બાદ તે વધીનો 45 ડિગ્રીએ પહોંચશે તેવી પણ શક્યતા છે. આ દરમિયાન લઘુત્તમ તાપમાન 26થી 27 ડિગ્રી વચ્ચે રહેશે તેવું અનુમાન છે. અમદાવાદમાં જાણે અગનવર્ષા થઈ રહી હોય તેમ લોકો અનુભવ કરી રહ્યા છે, ત્યારે કાળઝાળ ગરમીથી બચવા લોકો ઘરમાં જ રહેવાનું પસંદ કરી રહ્યા છે.

તો બીજી તરફ ગરમીના કારણે છેલ્લા 2 દિવસથી હીટ સ્ટ્રોક, લૂ લાગવાના અને ડિહાઈડ્રેશન સહિતની બીમારીઓના કિસ્સામાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. જેથી તંત્રએ ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને અન્ય કોઈ બીમારીથી પીડિત હોય તેવા લોકોએ બહાર નીકળવાનું ટાળવાની અને શરીરમાં પાણીની માત્રા જળવાય રહે તે માટે પૂરતું પ્રવાહી લેવાની સલાહ આપી છે.