ભરૂચ જિલ્લાના ઝઘડીયા GIDCની બ્રિટાનિયા કંપનીના 350 ઉપરાંત વર્કરો હડતાળ પર ઉતર્યા હતા. હડતાળ પર ઉતરેલા વર્કરોએ કંપની સત્તાધીશો તેમજ યુનિયન લીડરની હાય હાયના નારા બોલાવ્યા હતા.
ઝઘડીયા GIDCમાં આવેલ બ્રિટાનિયા કંપનીના 350થી વધુ વર્કરો વિવિધ માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે. છેલ્લા 2 દિવસથી ચાલી રહેલ હડતાલ બાદ કંપનીમાં ઉત્પાદનમાં ઘટાડો થયો છે. બ્રિટાનિયા કંપનીમાં કાયમી ધોરણે કામ કરતા વર્કરોના પગારમાં વધારો નહીં કરવામાં આવતા તેમજ કેટલાક વર્કરોને વિના કારણે કાઢી મુકવામાં આવ્યા છે. યુનિયન લીડર દ્વારા પણ કર્મચારીઓ સાથે કોઈપણ જાતની ચર્ચા કરવામાં આવતી નથી, અને વર્કરોને હેરાન પરેશાન કરવામાં આવે છે. જેથી 350થી વધુ કર્મચારીઓ હાલ હડતાળ પર ઉતર્યા છે. જોકે, કંપનીના ગેટ બહાર હડતાળ પર બેઠેલા કર્મચારીઓએ કંપનીના સત્તાધીશો તેમજ યુનિયન લીડરોની હાય હાયના નારા બોલાવ્યા હતા, અને જ્યાં સુધી તમામ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ હડતાળ યથાવત રહેશે તેમ જણાવ્યું હતું. જો વર્કરોની માગણીઓ સ્વીકારવામાં નહી આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
