દક્ષિણ કોરિયામાં રવિવારે 181 લોકોને લઈ જઈ રહેલું જેજુ એર બોઇંગ 737-800 વિમાન લેન્ડિંગ ગિયરમાં ખામીને કારણે રનવે પરથી સરકીને વાડ સાથે ટકરાઈ ગયું હતું. આ દુર્ઘટનામાં 179 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે વિમાનમાં બે લોકો જીવતા બચી ગયા છે, અન્ય તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સના મોત થઈ ગયા છે.
આ દુર્ઘટના સ્થાનિક સમય અનુસાર સવારે 9:07 વાગ્યે થઈ હતી, જ્યારે જેજુ એર ફ્લાઈટ 2216 દેશના દક્ષિણ પશ્ચિમમાં મુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહી હતી. વિમાન બેંગકોકથી દક્ષિણ કોરિયા પરત ફરી રહ્યું હતું.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં પ્લેન રનવે પરથી સરકતું અને તેમાં આગ લાગતી દેખાઈ રહી છે. સ્થાનિક મીડિયા અનુસાર, અધિકારીઓનું માનવું છે કે વિમાન પક્ષીઓના ટોળા સાથે ટકરાયું હતું, જેના કારણે તેના લેન્ડિંગ ગિયરમાં ખરાબી આવી ગઈ હતી.
વિમાનમાં 175 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર સવાર હતા. મુસાફરોમાંથી, 173 દક્ષિણ કોરિયાના નાગરિકો છે, અને 2 અન્ય લોકો પાસે થાઈ પાસપોર્ટ છે. દુર્ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે.જેમાં પ્લેન રન વે પરથી ઉતરીને દૂર સુધી સરકતું જોવા મળે છે અને પછી ફેન્સિંગ સાથે અથડાય છે.