વિમેન્સ પ્રીમિયર લીગની 15મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને પ્રથમ હાર મળી છે. રોમાંચક મુકાબલામાં યુપી વોરિયર્સે મુંબઈને પાંચ વિકેટે હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં 127 રન બનાવ્યા હતા. જવાબમાં યુપીએ 19.3 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. મુંબઈએ આ લીગમાં અત્યાર સુધીમાં 6 મેચ રમી છે અને પાંચમાં જીત મેળવી છે. આ તેની પ્રથમ હાર હતી. મુંબઈ ઈન્ડિયન્સ પહેલા જ પ્લેઓફ માટે ક્વોલિફાઈ થઈ ચૂક્યું છે.
યુપીને જીતવા માટે છેલ્લા 12 બોલમાં 13 રન બનાવવાના હતા. ત્યારે સોફી એક્લેસ્ટોન અને દીપ્તિ શર્મા ક્રિઝ પર હતા. હેલી મેથ્યુઝે 19મી ઓવરમાં બોલિંગ કરી અને આઠ રન આપ્યા. આ પછી યુપીને જીતવા માટે છેલ્લી ઓવરમાં પાંચ રનની જરૂર હતી. ઇસ્સી વોંગ પ્રથમ બે બોલ પર એકપણ રન આપી શક્યો નહોતો. સોફી એક્લેસ્ટોને ત્રીજા બોલ પર સિક્સર ફટકારીને યુપીની ટીમને જીત અપાવી હતી. દીપ્તિને તેના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.