પાંડેસરા જીઆઇડીસીમાં રવિવારની રજા મુદ્દે વિવાદ

ટેક્ષટાઈલ હબમાં વિરોધનો સૂર ઉઠ્યો

રજા અને કામના કલાકો મુદ્દે સંચાલકો અને કામદારો સામસામે

કામદારોની હડતાળથી ભારે દોડધામ મચી

સ્થિતિ કાબૂમાં લેવા પોલીસ કાફલો તૈનાત કરાયો

સુરત પાંડેસરા જીઆઇડીસી સ્થિત આવેલી લક્ષ્મીપતિ યુનિટ-2માં રવિવારની સાપ્તાહિક રજાના મુદ્દે કામદારો અને સંચાલકો વચ્ચે મોટો વિવાદ સર્જાયો છે. અને શ્રમિકોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું.

સુરતના પાંડેસરા જીઆઇડીસી સ્થિત આવેલી લક્ષ્મીપતિ યુનિટ-2માં રવિવારની સાપ્તાહિક રજાના મુદ્દે કામદારો અને સંચાલકો વચ્ચે મોટો વિવાદ સર્જાયો છે. રવિવારની રજા સહિતની માંગણીઓને લઈને અંદાજે 200 જેટલા એમ્બ્રોડરી કામદારોએ એકસામટે કામકાજ ઠપ્પ કરી હડતાળ પાડતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

લક્ષ્મીપતિ યુનિટ-2 ખાતે કામ કરતા એમ્બ્રોડરી કારીગરો અને યુનિટ મેનેજમેન્ટ વચ્ચે રવિવારની રજા તેમજ કામના સમયગાળાને લઈને લાંબા સમયથી મતભેદ ચાલી રહ્યા હતા. આ મતભેદ ઉકેલાવાને બદલે વણસતા 200 જેટલા કામદારો વિરોધ પ્રદર્શન પર ઉતરી આવ્યા હતા.

હડતાળની જાણ થતાં જ ઘટનાસ્થળે સ્થિતિ વણસે નહીં તે માટે પાંડેસરા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને બંને પક્ષો વચ્ચે મધ્યસ્થી કરાવવાની તજવીજ હાથ ધરી હતી. કામદારોની સ્પષ્ટ માંગણી છે કે તેમને સાપ્તાહિક રજા આપવામાં આવે, જ્યારે સંચાલકો સાથેનો વિવાદ ઉકેલવા હાલ વાટાઘાટો ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે.