અંકલેશ્વરમાં મોટી કાર્યવાહી

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે પાડ્યા દરોડા

એક્સપ્રેસ હાઇવે પરથી દારૂનો જથ્થો ઝડપાયો

રૂ.1.43 કરોડનો દારૂ ઝડપી પાડ્યો

અંકલેશ્વર નજીક દિલ્હી મુંબઇ એક્સપ્રેસ વે પર કન્ટેનરમાં લઇ જવાતો રૂપિયા 1.43 કરોડની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી છે

અંકલેશ્વર રૂરલ પોલીસની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી હતી.ખાલપીયા ગામની સીમમાંથી પસાર થતા મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પરથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું હતું.પોલીસે ટ્રકની તપાસ કરતા અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 958 બોક્સ મળી આવી હતી.

આ ઉપરાંત 23,460 બીયર ટીન પણ મળી આવતા પોલીસે જથ્થો કબજે કર્યો હતો. ઝડપાયેલા દારૂ અને બીયરના જથ્થાની કુલ કિંમત અંદાજે રૂ.1.43 કરોડ હોવાનું સામે આવ્યું છે.આ કાર્યવાહી દરમિયાન પોલીસે દારૂના જથ્થા સાથે  કન્ટેનર અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ.1.74 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસે ટ્રકના ચાલક અનવરશા મહમંદ હનિફ બેલગાવકરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાથમિક તપાસમાં વિદેશી દારૂનો આ જથ્થો હરિયાણાથી લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે દારૂનો જથ્થો કોના કહેવા પર લાવવામાં આવ્યો હતો અને તેને ક્યાં પહોંચાડવાનો હતો તે સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસ શરૂ કરી છે.સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપી તેમજ સમગ્ર નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.