માનવ મંદિર ખાતે ભવ્ય ભજન સ્પર્ધા યોજાઈ
ભક્તિ, સંસ્કાર અને સંગીતનો ત્રિવેણી સંગમ રચાયો
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા કરાયું આયોજન
ભજન સ્પર્ધામાં 12 મંડળીઓએ જમાવ્યું આકર્ષણ
નવી પેઢીને સંસ્કૃતિ સાથે જોડવાનો સફળ પ્રયાસ
અંકલેશ્વર જીઆઇડીસીના માનવ મંદિર ખાતે ભક્તિનો અનન્ય માહોલ જોવા મળ્યો હતો.ભક્તિ, સંસ્કાર અને ભારતીય સંગીત પરંપરાના સુંદર સંગમનું શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર જીઆઇડીસી શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા માનવ મંદિર ખાતે એક ભવ્ય ‘ભજન સ્પર્ધા’નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 12 જેટલી ભજન મંડળીઓએ ભાગ લઈ સમગ્ર વાતાવરણને શિવ અને ભક્તિના રંગે રંગી દીધું હતું. એકથી ચડિયાતી રજૂઆતો અને સૂર-તાલના તાલે સમગ્ર માનવ મંદિર પરિસર ભક્તિરસમાં ગરકાવ થઈ ગયું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આજની નવી પેઢીને આપણી પૌરાણિક ભારતીય સંસ્કૃતિ, ભક્તિ અને ભજન પરંપરા સાથે જોડવાનો હતો. આ ભક્તિમય પ્રોગ્રામને નિહાળવા માટે અંકલેશ્વરના 250થી વધુ ભક્તો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મંડળીઓને તાળીઓના ગડગડાટ સાથે વધાવી હતી.
તીવ્ર સ્પર્ધા બાદ નિર્ણાયકો દ્વારા વિજેતા મંડળીઓની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જિજ્ઞાબેન દવેના ‘ગોપી મંડળે’ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને બાજી મારી હતી. જ્યારે ઉષાબેન પટેલના ‘કૃષ્ણ ભજન મંડળ’ને દ્વિતીય ક્રમાંક અને નીતાબેન પ્રજાપતિના ‘રાધા ભજન મંડળ’ને તૃતિય ક્રમાંક મળ્યો હતો. આ ઉપરાંત દક્ષાબેન પટેલના ‘સોમેશ્વર ભજન મંડળ’ને આશ્વાસન પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા, તેમજ ભાગ લેનાર અન્ય તમામ મંડળીઓને પણ પ્રોત્સાહક આશ્વાસન ઈનામો આપીને તેમનો ઉત્સાહ વધારાયો હતો.
કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “જ્યાં ભક્તિ હોય ત્યાં સંસ્કાર હોય, અને જ્યાં સંસ્કાર હોય ત્યાં સમાજની પ્રગતિ નિશ્ચિત છે.”
આ સફળ આયોજન બદલ બ્રહ્મ સમાજના પ્રમુખ ચંદુ જોશી, મહામંત્રી ભાસ્કર આચાર્ય, યુવા પ્રમુખ દર્શન જાની, મહિલા પ્રમુખ રૂપલ જોશી, તેમજ જય તેરૈયા, પ્રવીણ તેરૈયા, અશોક ઓઝા,અનંતા આચાર્ય, શીતલ જાની અને લેખા જોશી સહિતના તમામ હોદ્દેદારો, નિર્ણાયકો અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો
