સિહોર પંથકમાં સિંહના હુમલા વધતા ભય  

પશુ બચાવવા જતા પશુપાલક પર કર્યો હુમલો

ઇજાગ્રસ્ત પશુપાલક હોસ્પિટલમાં ખસેડાયા

રેવન્યુ વિસ્તારમાં પશુપાલકોમાં ભારે ફાળ

વન વિભાગ સામે સુરક્ષાના ઉઠ્યા સવાલો

ભાવનગર જિલ્લામાં સિંહોનો આતંક દિન-પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. સિહોર તાલુકાના ટોડી ગામ નજીકથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ગૌચરણમાં પશુઓ ચરાવી રહેલા પશુપાલક પર સિંહે અચાનક જીવલેણ હુમલો કરી દીધો હતો.

ભાવનગર જિલ્લામાં સિહોરના ટોડી ગામ નજીક વિજય બલિયા નામના પશુપાલક પોતાના પશુઓ ચરાવી રહ્યા હતા. એવામાં અચાનક આવી પહોંચેલા સિંહે પ્રથમ એક દૂધાળા પશુ પર હુમલો કરી દીધો હતો.પોતાના પશુને બચાવવા માટે વિજયભાઈ વચ્ચે પડતા, હિંસક બનેલો સિંહ સીધો તેમની પર તૂટી પડ્યો હતો.

સિંહના પંજા વાગવાથી વિજયભાઈના શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી છે.ઘટના બનતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં વિજયભાઈને તાત્કાલિક સારવાર અર્થે પાલીતાણાની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.