ઇન્કમટેક્સ વિભાગ દ્વારા યોજાયો વિશાળ રોજગાર મેળો
51,000થી વધુ યુવાનોને સોંપાયા સરકારી નોકરીના નિયુક્તિ પત્રો
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ રહ્યા ખાસ ઉપસ્થિત
સી.આર.પાટીલે યુવાનોના ભવિષ્યને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું
વૃદ્ધોને એક્સ્ટેન્શન મળવાથી યુવાનોના ભવિષ્યને થાય છે નુકસાન:કેન્દ્રીય મંત્રી
સુરત ખાતે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા એક વિશાળ રોજગાર મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલની ઉપસ્થિતમાં 51,000થી વધુ આશાસ્પદ યુવાનોને સરકારી નોકરીના નિયુક્તિ પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
સુરત ખાતે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા એક વિશાળ રોજગાર મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ રોજગાર મેળા મારફતે દેશભરમાં 51,000થી વધુ આશાસ્પદ યુવાનોને સરકારી નોકરીના નિયુક્તિ પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સુરતમાં આયોજિત આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સબંધી યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી. આર. પાટીલે સરકારી નોકરીઓ અને યુવાનોના ભવિષ્યને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં પોતાનો મત વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સરકારી નોકરીમાંથી કોઈ પણ કર્મચારી કે અધિકારી નિવૃત્ત થાય, તો તેમને કોઈપણ સંજોગોમાં સેવા લંબાવવાનું એટલે કે ‘એક્સ્ટેન્શન’ ન મળવું જોઈએ.
પોતાના આ સૂચન પાછળનું કારણ દર્શાવતા સી. આર. પાટીલે ઉમેર્યું હતું કે, જ્યારે કોઈ વ્યક્તિ નિવૃત્ત થાય છે અને મોટી વય હોવા છતાં તેને એક્સટેન્શન આપવામાં આવે છે, ત્યારે તેના કારણે તે જગ્યા એક વર્ષ સુધી ખાલી પડતી નથી. પરિણામે, ભરતી પ્રક્રિયા લંબાય છે અને એક વર્ષનો સમય વધી જતાં અનેક લાયક યુવાનો સરકારી નોકરી મેળવવાથી વંચિત રહી જાય છે. આ પરિસ્થિતિ યુવાઓના ભવિષ્ય પર વિપરીત અસર પાડે છે.
