રાજકોટમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં યુવરાજસિંહે નરેશ પટેલને કહ્યું હતું કે, યુવાનોને ન્યાય અપાવવા માટે નરેશ પટેલ સરકારમાં રજૂઆત કરે તેવું જાણવા મળ્યું છે. હેડ ક્લાર્ક ની પરીક્ષાનું પેપર ફૂટતા યુવરાજસિંહ ચર્ચામાં આવ્યા હતા. જોકે અચાનક નરેશ પટેલ સાથે બેઠક કરી યુવાનોને ન્યાય મળે તે માટે નરેશ પટેલ ની રજૂઆત સરકાર સાંભળે તેવી આશા રાખી રહ્યા છે.
નરેશ પટેલ સાથેની બેઠક અંગે યુવરાજસિંહ ગઈકાલે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરી જાણ કરી હતી. જેમાં લખવામાં આવ્યું છે કે, પાટીદાર આગેવાન અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ સાથે મુલાકાત કરી. નરેશ પટેલ સાથે સિસ્ટમમાં રહેલા દૂષણો દૂર કરવા અને શિક્ષિત યુવાનો સાથે થતા અન્યાય બાબતે વિસ્તૃત ચર્ચા કરી માર્ગદર્શન મેળવ્યું અને આગળની રણનીતિ તૈયાર કરી.યુવરાજસિંહે નરેશ પટેલને સરકારમાં રજુઆત કરવા માટે લેખિતમાં પત્ર આપ્યો હતો.
જેમાં જણાવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ઘણાં સમયથી ચાલી આવતી ભરતી પ્રક્રિયામાં પેપર ફૂટવા અને ગેરરિતી થવાના બનાવો સામે આવી રહ્યા છે. જેમાં આપના સમાજના આપના વિસ્તારના નબળા અને મધ્યમ વર્ગના શિક્ષિત બેરોજગાર યુવાનોને અન્યાય થઈ રહ્યો છે. તમે અથવા તમારી સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ સમાજના નબળા અને મધ્યમ વર્ગના પરિવારના ઉત્સાહી યુવાનોને નજીવા ટોકન અથવા મફત શિક્ષણ આપી તેને પગભર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો.
