શહેર તથા જિલ્લામાં ઠેર ઠેર વિસર્જન યાત્રાઓ નીકળી

વિશાળ મૂર્તિઓની વિસર્જન યાત્રામાં શ્રીજીભક્તો ઉમટ્યા

‘ગણપતિ બાપ્પા મોરિયા’નો ગગનભેદી નાદ ગુંજી ઉઠ્યો

શ્રીજીભક્તોએ પ્રતિમા સમક્ષ કાન પકડી ક્ષમાયાચના કરી

મંડળોએ ભાવભીની વિદાય આપી બાપ્પાનું વિસર્જન કર્યું

‘ગણપતિ બાપ્પા મોરિયા’ના ગગનભેદી નાદ વચ્ચે સુરત શહેરમાં ઠેર ઠેર વિસર્જન યાત્રાઓ નીકળી હતી. જેમાં 25થી વધુ ફૂટની ઉંચાઈની મૂર્તિઓની વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં શ્રીજી ભક્તો જોડાયા હતા.

ગણેશ ચતુર્થીથી શરૂ થયેલા 10 દિવસીય ગણેશોત્સવનું આજે, એટલે કે તા. 25 સપ્ટેમ્બર-2026 શુક્રવારે અનંત ચતુર્દશીએ સમાપન થઈ રહ્યું છે, ત્યારે ઠેર-ઠેર નાની-મોટી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. સુરતમાં ઢોલ-નગારા અને DJ સાથે ભવ્ય વિસર્જન યાત્રાઓ નીકળી રહી છે. ગણેશ વિસર્જન દરમ્યાન એક અનોખો અને ભાવુક નજારો પણ જોવા મળ્યો હતો.

મંડળના સભ્યોએ 10 દિવસની સેવા-પૂજા દરમિયાન અજાણતા પણ કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો ક્ષમા કરવાના ભાવ સાથે શ્રીજીની પ્રતિમા સમક્ષ કાન પકડી ઉઠક-બેઠક કરી ક્ષમાયાચના કરી હતી. ત્યારબાદ ભક્તિભાવપૂર્ણ માહોલમાં ઢોલ-નગારાના ગગનભેદી નાદ અને ‘ગણપતિ બાપ્પા મોરિયા, પુઢચ્યા વર્ષી લવકર યા’ના જયઘોષ સાથે મંડળે બાપ્પાને ભાવભીની વિદાય આપી વિસર્જન કર્યું હતું. તો બીજી તરફ, શ્રીજીના વિસર્જન સમયે કોઇ અનિચ્છનીય બનાવ ન માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.