હિંમતનગર નજીક ગમખ્વાર અકસ્માત
સ્કોર્પિયોએ 12 પદયાત્રીઓને અડફેટે લીધા
હિટ એન્ડ રન બાદ ટોળાએ કાર સળગાવી
પદયાત્રીઓને અડફેટે લઈ સ્કોર્પિયો સળગાવી

સાબરકાંઠાના હિંમતનગર નજીક દોલગઢ પાટિયા પાસે ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પૂરઝડપે આવેલી સ્કોર્પિયોએ 10થી વધુ પદયાત્રીઓને અડફેટે લેતાં અફરાતફરી મચી હતી. અકસ્માત બાદ કારચાલક સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કરતા રોષે ભરાયેલા ટોળાએ સ્કોર્પિયોને રોકી આગચંપી કરી હતી.

હિંમતનગર નજીક દોલગઢ પાટિયા પાસે પદયાત્રીઓ પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન પૂરઝડપે આવેલી સ્કોર્પિયોએ પદયાત્રીઓને અડફેટે લીધા હતા. ઘટનામાં 12 જેટલા પદયાત્રીઓ અડફેટે આવ્યા હોવાનું સામે આવ્યું છે.

અકસ્માત બાદ સ્કોર્પિયો ચાલકે વાહન રોકવાને બદલે સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સ્થાનિક લોકો અને પદયાત્રીઓએ કારને રોકી લીધી હતી. ત્યારબાદ રોષે ભરાયેલા ટોળાએ કારને આગ ચાંપી દીધી હતી. આગને કારણે સ્કોર્પિયો બળીને ખાખ થઈ ગઈ હતી.

ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા, DySP સહિત ગ્રામ્ય પોલીસ, બી-ડિવિઝન પોલીસ અને LCBનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સાથે જ ફાયર વિભાગની ટીમે પણ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

હાઇવે પર ભારે વાહનોની અવરજવર અને બેફામ ડ્રાઇવિંગને લઈને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. પોલીસે હાલ પરિસ્થિતિ કાબૂમાં લઈને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.